સેવાસી વાવ

0
1839

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વિશેષ પ્રમાણમાં જોવા મળતી વાવ ખેડા તથા વડોદરા જિલ્લામાં પણ જોવા મળે છે, પરંતુ ઓછા પ્રમાણમાં.
સ્થાનઃ વડોદરા શહેરથી પશ્ચિમમાં 6 કિલોમીટર દૂર સિંધરોટ રોડ પર સેવાસી ગામના મુખ્ય બસ સ્ટેન્ડથી ગામમાં પ્રવેશતાં જ એક વાવ આવેલી છે. સેવાસી વાવ તરીકે ઓળખાતી આ વાવ હવે તો વડોદરા શહેરના વધતા જતા શહેરીકરણને લીધે વડોદરામાં જ ગણી શકાય. પ્રમાણમાં ઓછી જાણીતી આ વાવ પણ ઐતિહાસિક શિલ્પકામ ધરાવતી એક નમૂનારૂપ વાવ છે.
ઐતિહાસિક પાર્શ્વભૂમિકાઃ આ વાવ પર ક્યાંય કોઈ લખાણ કે શિલાલેખ નથી તથા શિલ્પકામ પર કોઈ ઘરેણાં કે શૃંગારયુકત કોતરણી નહિ હોવાથી વાવની તવારીખ નક્કી કરવી મુશ્કેલ છે. વાવનો સમય નક્કી કરવા તેની સ્થાપત્યકળા, બાંધકામની રીત કે પદ્ધતિ, તેમ જ તેની સુશોભન પદ્ધતિઓની મદદથી અન્ય વાવની તુલનામાં તેની તવારીખ નક્કી થાય છે. આ રીતે તેની બાંધકામની પદ્ધતિ અમદાવાદની દાદા હરિરની પદ્ધતિને મળતી આવે છે. તે જોતાં તે સુલતાન મહંમદ બેગડાના સમયમાં (16મી સદી) આશરે 500 વર્ષ પહેલાં તે બંધાઈ હોય તેમ કહેવાય છે.
સ્થાપત્યઃ સેવાસી વાવનું મૂળ નામ વિદ્યાધર વાવ હતું. વિદ્યાધર એ સેવાસીના આદરણીય ધાર્મિક નેતા હતા. તેમના મૃત્યુ બાદ તેમની યાદમાં આ વાવ બાંધવામાં આવી છે. વાવનો ખર્ચ તે વખતના રાજ્યના ખજાનામાંથી આપવામાં આવ્યો હતો.
વાવ પૂર્વ-પશ્ચિમ દિશામાં રહેલી છે. મુખ્ય કૂવો પૂર્વમાં છે, જ્યારે વાવનો પ્રવેશ પશ્ચિમમાં છે. મુખ્ય રસ્તા પરથી ગામમાં પ્રવેશતાં જ વાવ આવેલી છે, પણ દુકાનો અને અન્ય દબાણોને કારણે અહીં વાવ છે તેમ કોઈને ખ્યાલ આવતો નથી.
વાવ મુખ્યત્વે ઈંટ અને પથ્થરની બનેલી છે અને જમીનથી સાત માળની ઊંડાઈ સુધી વાવ જાય છે. બીજા માળનો આકાર પાંદડા જેવો છે. તેમાં શિલ્પકામ કોતરણી જોવા મળે છે. કેટલીક દીવાલો પર લોકો દ્વારા ઊજવાતા તહેવારોનાં ચિત્રો આંકવામાં આવ્યાં છે. પ્રવેશ પર બે વાઘ અને બે હાથી કોતરવામાં આવેલા છે. વાવ પર પાંચ મંડપ રહેલાં છે, પણ આ મંડપ જમીનની બહાર ન આવતાં જમીનથી એકાદ મીટર નીચે સપાટ રાખવામાં આવેલા છે. કૂવાની આસપાસ કઠેડો બાંધેલો છે. દરેક માળે મંડપ ચાર સ્તંભ ઉપર રહેલા છે. સ્તંભ ચોરસ આકારના છે. સ્તંભને જોડતા લિંટલ્સ (મોભ) કોતરણીવાળા છે. સ્તંભ પર પણ કોતરણી જોવા મળે છે. વાવના પ્રવેશ પર મધ્યમાં ચાર સ્તંભ પર સમગ્ર ડોમ બનાવેલો છે.
સમગ્ર વાવમાં સ્તંભ, પેરાપીટ, મોભ એમ ઘણાં સ્થળે કોતરણીઓ કરવામાં આવેલી છે. વાવને નુકસાન થયું છે, પરંતુ ઘણું ઓછું. વાવને સ્વચ્છ કરી સુંદર બનાવવાની જરૂર છે. શહેરના પાદરે રહેલી આ વાવ વડોદરાનું ખરેખર એક આભૂષણ છે. તેની જોઈએ એટલી જાણકારી હજી સ્થાનિક લોકોને આપવામાં આવી નથી. આ અમૂલ્ય ઐતિહાસિક ખજાનાની મુલાકાતે શાળાનાં બાળકોને લાવીને આપણા ગૌરવશાળી વિકાસની ઝાંખી કરાવવાની જરૂર છે.
કલોમીઓએ તેની મુલાકાત લેવી જોઈએ.
માધાવાવ – વઢવાણ.
વાવ એ ગુજરાતની આગવી ઓળખ છે. સમગ્ર ગુજરાતમાં સંખ્યાબંધ વાવ હજાર વર્ષથી અસ્તિત્વમાં છે. વાવના બાંધકામમાં સુરેન્દ્રનગર જિલ્લાનો પણ મોટો ફાળો છે. એ જમાનાના રાજાઓ, પ્રજાનું કેટલું ધ્યાન રાખતા તે આવાં સ્થાપત્યોથી જાણી શકાય છે. સૂકા દેશોમાં પ્રજાને મીઠું પાણી મળી રહે તે માટે આવી વાવ બાંધવામાં આવતી. વટેમાર્ગુઓ, ધાર્મિક સ્થળોએ ભેગા થતા પ્રજાજનો, ગામના પાદરે પ્રસંગોપાત્ત ભેગા થતા લોકો માટે તેમ જ દૈનિક પાણી પીવા વાપરવાના હેતુથી આવી વાવ બંધાવવામાં આવેલી છે.
સ્થાનઃ સુરેન્દ્રનગર જિલ્લો કે જે ઝાલાવાડ પંથક તરીકે પ્રખ્યાત છે તેના વઢવાણ શહેરમાં બંધાયેલી વાવમાંની એક માધાવાવ છે. વઢવાણ શહેરના પશ્ચિમ વિભાગમાં અસલ જૂના વિસ્તારમાં માધાવાવ આવેલી છે.
ઐતિહાસિક પાર્શ્વભૂમિકાઃ વાઘેલા સામ્રાજ્ય દરમિયાન ઈ. સ. 1294 (વિ. સં. 1350)માં તેના છેલ્લા રાજા કર્ણદેવ વાઘેલાના શાસન દરમિયાન આ વાવ બાંધવામાં આવી છે. એવી વાયકા છે કે તે નબળો શાસક હતો એટલે તે સમયે તે કરણ ઘેલો કહેવાતો હતો. આ રાજા પછી દિલ્હીના અલાઉદ્દીન ખીલજીએ આ પ્રદેશ પોતાના તાબા હેઠળ લઈ લીધો અને તેના ભાઈ અલીફ ખાનને અહીંની સત્તા (ગવર્નર) સોંપી. રાજા કર્ણદેવ વાઘેલાના બે મંત્રીઓ કે જે નાગર બ્રાહ્મણો હતા શ્રી માધા અને શ્રી કેશવ દ્વારા આ વાવ બંધાવવામાં આવી હતી અને તેથી જ તેને માધાવાવ કહે છે. વાવમાં કરણ ઘેલો અને તેની પત્નીનાં પૂતળાં હજી જોઈ શકાય છે.
સ્થાપત્યઃ કુલ 55 મીટરની લંબાઈ ધરાવતી આ વાવને 6 મંડપ (કૂટ કે પેવેલિયન) પગથિયાંની વચ્ચેના દરેક માળે આવતા 6 સપાટ ભાગો ઉપર બાંધવામાં આવેલા છે. પગથિયાં પૂર્વ-પશ્ચિમ છે, જેમાં કૂવો પૂર્વમાં અને પ્રવેશ પશ્ચિમમાં છે. આ વાવની વિશેષતામાં દરેક મંડપ ઉપર ચતુષ્કોણ નાના ઘુમ્મટ બનાવેલા છે, જે નાની નાની પટ્ટીઓ ખાંચ (પગથિયાં જેવી) ધરાવે છે.
કૂવા સુધી જતી પગથિયાંની નિસરણી કુલ 49.80 મીટર લંબાઈની છે. દરેક માળે તેની પહોળાઈ ઘટતી જાય છે. પગથિયા પાસે નિસરણી 6 મીટર પહોળી છે, જ્યારે ઉપર મંડપ આગળ 3 મીટર પહોળી છે. બે મંડપ વચ્ચે 4.8 મીટર જેટલું વધુ અંતર હોવાથી વાવની બાજુની દીવાલો જાડી બનાવેલી છે, જેથી મંડપને ટેકો મળે. કૂવો 5.3 મીટરના વ્યાસનો છે. નિસરણીની બન્ને બાજુની દીવાલો કોતરણી ધરાવે છે. પ્રવેશની ઉપર પણ કોતરણી અને દેવોનું શિલ્પ ધરાવતું તોરણ જોવા મળે છે. સમગ્ર ભાગો કોતરણી ધરાવે છે.
ઈ. સ. 1294માં બંધાયેલી આ વાવ હજી પણ એટલી જ મજબૂત છે એવું એના બાંધકામની ખૂબી દર્શાવે છે. વિવિધ કોતરણીઓ, શિલ્પ, દેવી-દેવતાનાં કંડારેલાં ચિત્રો, મૂર્તિઓ ખરેખર સુંદર છે. આપણી અમૂલ્ય વિરાસત-સંસ્કૃતિનું આ વાવ અદ્ભુત દર્શન કરાવે છે. સૌએ એક વાર મુલાકાત લેવી જોઈએ.

લેખકઃ ગુજરાત સરકારના પૂર્વ અધિકારી અને ભૂસ્તરશાસ્ત્રી છે.