સેલ્ફ એમ્પ્લોઈડ વિમેન્સ એસોસીએશનના સ્થાપક, પદ્મ ભૂષણ ઈલાબહેન ભટ્ટનું અવસાન

 

અમદાવાદ: સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોસીએશનના સ્થાપક અને સાબરમતી આશ્રમ ટ્રસ્ટના અધ્યક્ષા પદ્મ ભૂષણ ઈલાબહેન ભટ્ટનું અમદાવાદમાં અવસાન થયું છે. ઇલાબહેન ૯૦ વર્ષના હતા. એક મહિના અગાઉ જ નાદુરસ્ત તબિયતના કારણે ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે તેમણે રાજીનામું આપ્યું હતું. તેમણે આ પદ આઠ વર્ષ સુધી સંભાળ્યું હતું. 

૭ સપ્ટેમ્બર, ૧૯૩૩માં જન્મેલા ઇલાબહેન કાયદાવિદનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સહકાર ક્ષેત્રે, ગાંધીયન ફિલોસોફી અને સ્ત્રી સશક્તિકરણ ક્ષેત્રે દેશ અને દુનિયામાં અગ્રણી હસ્તીઓની હરોળમાં આવતા હતા. તેમને ભારત સરકારે પદ્મ ભૂષણથી નવાજ્યા હતા. સેવાના સ્થાપક અને લગભગ બે દાયકા સુધી તેનું મહાસચિવ તરીકે સંચાલન કરનાર ઈલાબહેન ભટ્ટને મેગસેસે એવોર્ડ પણ મળ્યા હતા. વકીલ પિતા અને મહિલા કોંગ્રેસ અગ્રણીના પુત્રી એવા ઇલાબહેનનું બાળપણ સુરતમાં વીત્યું હતું ત્યાં તેમણે અંગ્રેજી ભાષામાં બેચલર ઓફ આર્ટસ કર્યા પછી અમદાવાદમાં ગોલ્ડ મેડલ સાથે એલએલબી પૂર્ણ કર્યું હતું. વર્ષ ૨૦૦૭માં દક્ષિણ આફ્રિકાના ગાંધી એવા નેલ્સન મંડેલાએ ધ એલડર્સ નામના જૂથની રચના કરી હતી અને તેમણે દેશ અને દુનિયાની વિવિધ હસ્તીઓને તેમના જ્ઞાન, ડહાપણ અને તેમના અનુભવ માટે આ જૂથમાં સામેલ કર્યા હતા જેમાં ઈલાબેનનો પણ સમાવેશ થતો હતો. 

વર્ષ ૧૯૭૨માં તેમણે ટેક્સટાઈલ્સ મજૂરોની મહિલાઓ માટે સ્થાપેલી સેવા સંસ્થા આજે એક વટવૃક્ષ છે. સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે પોતે જ ભણે, પોતે જ ચીજો બનાવે અને પોતે જ તેની કમાણી કરે તેનું વિશ્વના સૌથી શ્રેષ્ઠ ઉદારણમાંથી એક સેવા બની ગયું છે. હજાર જેટલી મહિલાઓથી બનેલું આ જૂથ આજે ૨૦ લાખ જેટલા સભ્યો ધરાવે છે. એટલું જ નહીં પોતાના સભ્યો માટે એક બેંક પણ ધરાવે છે. સેવા બેંકની સફળતાથી પ્રેરાય ભારત સરકારે ૨૦૧૨માં માત્ર મહિલાઓ માટે જ અલગ રાષ્ટ્રીય બેંક સ્થાપી હતી.