સેન્સેક્સ પહેલી વખત ૫૭,૦૦૦ને પાર

 

મુંબઇઃ અમેરિકાની ફેડરલ રિઝર્વના ડોવીશ સ્ટાન્સ અને સ્થાનિક સ્તરે જીડીપીના આંકડા સકારાત્મક આવવાની આશા વચ્ચે ઇક્વિટી માર્કેટમાં તેજીનો માહોલ ચાલુ રહ્યો હોવાથી મંગળવારે સેન્સેક્સ પહેલી જ વખત ૫૭,૦૦૦ની સપાટી પાર કરી ગયો હતો, જ્યારે નિફ્ટીએ પણ પહેલી જ વખત ૧૭,૦૦૦ની સપાટી વટાવી હતી. સેન્સેક્સ ૬૬૨.૬૩ પોઇન્ટ વધીને ૫૭,૫૫૨.૩૯ પોઇન્ટની અને નીફ્ટી ૨૦૧.૧૫ પોઇન્ટ વધીને ૧૭,૧૩૨.૨૦ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસે સેન્સેક્સ સત્ર દરમિયાન ૫૭,૧૨૪.૭૮ પોઇન્ટના ઓલ ટાઇમ ઇન્ટ્રા-ડે હાઇ લેવલને સ્પર્શ્યો હતો. બીએસઇ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન પણ રૂ. ૨૫૦.૦૨ લાખ કરોડની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું હતું. આગાઉ ચોથી ઓગસ્ટે સેન્સેક્સે પહેલી વખત ૫૪,૦૦૦ની સપાટી વટાવી હતી અને ૧૩મી ઓગસ્ટે ૫૫,૦૦૦ની અને એ પછી એક સપ્તાહમાં ૧૮મી ઓગસ્ટે પહેલી વાર ઇન્ટ્રા-ડે ૫૬,૦૦૦ની પાર કરી અંતે ૨૭મી ઓગસ્ટે આ સપાટી હાંસલ કરી લીધી હતી. આ સત્રમાં ભારતી એરટેલ લગભગ સાત ટકાના ઉછાળા સાથે સેન્સેક્સમાં ટોપ ગેઇનર બન્યો હતો. અન્ય ગેઇનર્સમાં બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ, ટાઇટન, ટીસીએસ અને ટેક મહિન્દ્રાનો સમાવેશ હતો.