સેના ઇચ્છે તો દુશ્મનને ૧૦-૧૨ દિવસમાં ધૂળ ચાટતા કરી શકે છેઃ મોદી 

 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એનસીસી કેડેટ્સને સંબોધન કરતાં પાકિસ્તાનનું નામ લીધા વિના જ તેને કડક શબ્દમાં ચેતવણી આપી દીધી છે. તેમણે કહ્યું હતું કે પાડોશી દેશ જાણે છે કે તેને ભારતથી ત્રણ-ત્રણ યુદ્ધમાં પરાજય મળ્યો છે. ભારતીય સેના ઇચ્છે તો તેને ૧૦-૧૨ દિવસમાં હરાવીને ધૂળ ચટાવી શકે છે.  

તેમણે સીએએ મામલે કોંગ્રેસ, બસપા સહિત વિપક્ષો પર પણ નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે પહેલાંની સરકારોએ દશકાઓ સુધી સંસદમાં નાગરિકતા સંશોધન બિલ, એનિમી પ્રોપર્ટી બિલ લટકાવી રાખ્યાં હતાં અને માત્ર પોતાની મતબેન્કની રાજનીતિ કરતા રહ્યા હતા. અહીં નેશનલ કેડેટ કોરની વાર્ષિક રેલીમાં તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું હતું કે આપણી સેનાને તેને ધૂળ ચાટતું કરવામાં માત્ર ૧૦-૧૨ દિવસનો સમય લાગશે. હવે તે દશકાઓથી ભારત સામે પ્રોક્સી યુદ્ધ કરી રહ્યું છે. એમાં અનેક નાગરિકોનાં મોત થયાં છે. આપણા જવાનો શહીદ થઈ રહ્યા છે. 

સીએએ-એનઆરસી પર વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે અફવાઓ ફેલાવનારાઓ એટલું સમજી લે કે મોદી પોતાની પ્રતિષ્ઠા માટે પેદા થયો નથી. મોદી માટે તો તેના દેશની પ્રતિષ્ઠા જ સર્વસ્વ છે. દશકાઓ જૂની સમસ્યાઓને ઉકેલી રહેલી અમારી સરકારના નિર્ણયો પર જે કેટલાક લોકો સાંપ્રદાયિકતાનો રંગ ચડાવી રહ્યા છે તેમના અસલી ચહેરા પણ દેશે જોઈ લીધા છે. હું ફરી કહી રહ્યો છું, દેશ જોઈ રહ્યો છે, સમજી રહ્યો છે. ચૂપ છે, પરંતુ બધું સમજી રહ્યો છે. આ પછી તેમણે કોંગ્રેસને નિશાને લેતાં કહ્યું હતું કે પહેલાંની સરકારો એવું માનતી  રહી કે આતંકવાદ, બોમ્બધડાકા આ બધું કાનૂન વ્યવસ્થાની પરેશાની છે. ભારત માતા લોહીલુહાણ થતી ગઈ. વાતો બહુ થઈ, ભાષણો બહુ થયા, પરંતુ જ્યારે આપણી સેના પગલાં ભરવા માટે કહેતી ત્યારે ના પાડી દેવામાં આવતી હતી. 

તેમણે વધુમાં કહ્યું હતું કે આજે યુવાવિચાર, યુવાધન સાથે દેશ આગળ વધી રહ્યો છે, એટલે જ તે સર્જિકલ સ્ટ્રાઇક કરે છે, એરસ્ટ્રાઇક કરે છે અને આતંકના આકાઓને તેમના ઘરમાં જઈને પાઠ ભણાવે છે. જે લોકો સીએએનો ડર ફેલાવી રહ્યા છે તેઓ પાકિસ્તાનમાં લઘુમતીઓના ઉત્પીડનને જોવાનો ઇનકાર કરી રહ્યા છે. શું આપણે દમનનો ભોગ બનેલા લોકોની મદદ ન કરવી જોઈએ એવો સવાલ વડા પ્રધાને કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમારી સરકાર ઐતિહાસિક ભૂલને સુધારવા અને પાડોશી દેશોના લઘુમતીઓને આપેલું વચન પૂરું કરવા સીએએ લઈ આવી છે. 

અગાઉ કાશ્મીરમુદ્દે વિપક્ષ પર નિશાન સાધતાં તેમણે જણાવ્યું હતું કે અગાઉ કાશ્મીરની સમસ્યાના સમાધાન માટે શું કરવામાં આવ્યું હતું? ત્રણ-ચાર પરિવારોએ આ સમસ્યા સુલઝાવવાને બદલે એને ઊલઝાવી નાખી હતી. રેલીને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે એનસીસી યુવાનોમાં અનુશાસન દઢસંકલ્પ અને નિષ્ઠાની ભાવના ઊભી કરવાનું સશક્ત મંચ છે. તે દેશના વિકાસ સાથે સીધેસીધું જોડાયેલું છે. આ પ્રસંગે એનસીસીની રેલીમાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, શ્રીપાદ પસોં નાઇક, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) બિપિન રાવત અને ભારતીય લશ્કરની ત્રણેય પાંખોના વડા તેમ જ વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ હાજર રહ્યા હતા