સૂર્યને સ્પર્શ : નાસાનું પાર્કર પ્રોબ પ્રથમ

 

નાસાઃ સૂર્યને સ્પર્શવાની કલ્પના માત્ર તો કરી જુઓ, ધ્રુજી ઉઠાય તેવી વાત છે ને, પરંતુ સૂર્યને અડવાનું આ અભૂતપૂર્વ સાહસ પાર્કર પ્રોબ નામે અમેરિકાની અવકાશ એજન્સી નાસાના અવકાશયાને કરી બતાવ્યું છે.

અસંભવ મનાતી આ સિદ્ધિ અવકાશયાને આઠ મહિના પહેલાં એપ્રિલમાં જ મેળવી લીધી હતી, પરંતુ અવકાશમાં કરોડો કિલોમીટર દૂર જાણકારી પહોંચવા અને તેનું વિશ્લેષણ કરવાની કવાયતમાં વૈજ્ઞાનિકોને લાંબો સમય લાગ્યો. આ સિદ્ધિની દુનિયાભરમાં પ્રશંસા થઇ રહી છે. આવનારા સમયમાં આ સફળતા સૌર વિજ્ઞાનનો ચહેરો બદલવા જઇ રહી છે.

આંકડાવાર વિગતો મુજબ ૨૮ એપ્રિલના પાર્કર પ્રોબ યાને સૂર્યના વાયુમંડળની બહારની સપાટીને ત્રણ વખત પાર કરી હતી. કોરોના તરીકે ઓળખાતા સૂર્યના વાયુમંડળનું તાપમાન લગભગ ૧૧ લાખ ડિગ્રી સેલ્સિયસ છે. આ ગરમી ગણતરીની સેકન્ડમાં પૃથ્વી પરના લગભગ તમામ પદાર્થોને પીગાળી શકે છે. વૈજ્ઞાનિકોએ પાર્કર પ્રોબમાં સૂર્યના તાપથી બચાવી શકે તેવા અત્યાધુનિક ટેક્નોલોજીવાળા હીટશિલ્ડ્સ લગાવ્યા હતા. ખાસ કરીને સૂર્યની બનાવટ સંદર્ભે હજી સુધી સંશયની સ્થિતિ રહી છે, એ હકીકતને ધ્યાને લેતાં પાર્કર સોલર પ્રોબનું સૂર્યના વાયુમંડળમાં પહોંચવું એ સૂર્ય સાથે જોડાયેલા રહસ્યને ખોલવા માટે મહત્ત્વનું ગણાય છે.