સૂર્યની ફરતે વલયો હોવાનું પહેલું સંશોધન ભારતીય ખગોળ વિજ્ઞાની ડો. રાવલે કર્યું હતું

નડિયાદઃ સૂર્યનો નજીકથી અભ્યાસ કરવા અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’એ મોકલેલા અવકાશ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પારકર સોલર પ્રોબ સૂર્યની ફરતે વલયો હોવાનાં અણસાર અને પ્રમાણ આપ્યાં છે. ત્યારે એ અંગે એક ભારતીય ખગોળ વિજ્ઞાની, ઇન્ડિયન પ્લેનેટોરિયમ સોસાયટીના અધ્યક્ષ, નેહરુ પ્લેનેટોરિયમ, નેહરુુ સેન્ટર, વર્લી, મુંબઈના પૂર્વ સંશોધન ડિરેક્ટર અને નડિયાદ પ્લેનેટોરિયમના ડિરેક્ટર ડો. જે. જે. રાવલે આ અગાઉ જ પ્રતિષ્ઠિત નેશનલ અને ઇન્ટરનેશનલ વિજ્ઞાન સામયિક (સાયન્સ જર્નાલીઝમ)માં પ્રકાશિત કરેલા તેમના સંશોધનપત્રોમાં જ ઉલ્લેખ કરેલો છે કે સૂર્યની ફરતે શનિ જેવી વલયમાળા છે. વર્ષ ૨૦૧૮માં પાર્કર સોલર પ્રોબે પૃથ્વીથી પ્રસ્થાન કર્યું, ત્યારે તેમણે પ્રોફેસર ઇ. એન. પારકર, જેમની વય ૯૦ વર્ષની છે અને જેમના નામે પારકર સોલર પ્રોબનું નામાભિધાન થયું છે. તેમને ડો. જે. જે. રાવલે પારકર સોલર પ્રોબ સૂર્યની ફરતે વલયો છે કે નહિ એની તપાસ કરવા લખ્યું હતું. વર્ષ ૧૯૮૧ના ડિસેમ્બરના અંતમાં ઇન્ટરનેશનલ જર્નલ સ્કાય એન્ડ ટેલિસ્કોપે ડો. રાવલના આ સંશોધનને બિરદાવ્યું હતું. ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના જનરલ સેક્રેટરી વિરેન દવેએ જણાવ્યું હતું કે ભારતીય ખગોળ વિજ્ઞાની ડો. જે. જે. રાવલ હાલ મુંબઈ વસે છે અને ખેડા જિલ્લામાં નડિયાદમાં આવેલી બાલ્કન-જી-બારી સંસ્થામાં દિનશા પટેલ પ્લેનેટોરિયમ સંસ્થાના ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે તેમના સંશોધનપત્ર ૧) રેસોનન્ટ સ્ટ્રક્ચર ઇન ધ સોલર સિસ્ટમ (૧૯૮૧), ૨) કોટ્રાસન ઓફ સોલર નેબ્યુલા (૧૯૮૪), ૩) કોટ્રાસન ઓફ ધ સોલર નેબ્યુલા (૧૯૮૬), ૪) પ્લેનેટરી ડિસ્ટન્સ (૧૯૮૯), ૫) આર ઘેર રિંગ એરાઉન્ડ ધ સન (૧૯૧૨), ૬) મોડિફાઇડ ટિશિયસ બોર્ડ રિલેશન (૧૯૭૮) સહિત અલગ અલગ થીયરીઓ આપીને પ્રસ્થાપિત કર્યું હતું કે સૂર્યની ફરતે શનિ જેવી વલયમાળા છે. સૂર્યમાળામાં અને ખગોળ વિજ્ઞાનમાં પારકર સોલર પ્રોબે કરેલી આ મહાન શોધ અગાઉ વર્ષો પહેલાં આ અંગેના અનુમાનો તેમના સંશોધન લેખોમાં ઉલ્લેખ કરનારા ભારતીય વૈજ્ઞાનિક ડો. જે. જે. રાવલની થીયરીને આજે દેશ-વિદેશમાં ખગોળ વિજ્ઞાનક્ષેત્રે બિરદાવાઈ રહી છે. ડો. રાવલે આ દિશામાં પોતાના અનુમાનોને વાચા આપતાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પારકર સોલર પ્રોબ સૂર્યની ઘણી નજીક જશે. લગભગ ૪૦ લાખ કિલોમીટર ત્યારે એની ગતિ કલાકના સાત લાખ કિલોમીટર હશે. વિજ્ઞાનીઓ આશા રાખે છે કે પારકર સોલર પ્રોબ સૂર્ય વિશે હજુ ઘણી નહિ જણાવેલી માહિતીની શોધ કરશે, જેવી કે કોરોનલ હોલ્સ, સોલર વિન્ડઝ એન્ડ સોલર મેગ્નેટિક ફિલ્ડ્ઝ વગેરે છે. ડો. જે. જે. રાવલે અંતરિક્ષ વિજ્ઞાનક્ષેત્રે સાક્ષરભૂમિ નડિયાદ અને ગુજરાતનું નામ ઉજાગર કર્યું છે. (ગુજરાત ટાઇમ્સ સંકલન)