
જાણીતા નિર્દેશક અનુરાગ કશ્યપે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા અને તેમાં નેપોટિઝમની ભૂમિકા વિષે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે,કરણ જોહર એક ફિલ્મ નિર્માતા હોવાની સાથે એક વ્યવસાયી પણ છે. તો કોઈ કલાકારને રજૂ કરી શકે છે, તેને તક આપી શકે છે અને તેની કેરિયર બનાવી શકે છે, પણ કોઈનું કેરિયર બરબાદ કરવાની શક્તિ તેમની પાસે નથી. અનુરાગ કશ્યપે યશરાજ ફિલ્મસ અને ધર્મા પ્રોડકશન્સ પર મૂકવામાં આવી રહેલા આરોપો બાબત પોતાનો મત વ્યક્ત કર્યો હતો. કોઈ કલાકાર ફિલ્મમાં પદાર્પણ કરે(ડેબ્યુ) એટલે એ એવી અપેક્ષા ના રાખી શકે કે ધર્મા પ્રોડકશન્સ કે યશરાજ ફિલ્મસ દ્વારા તેને લોન્ચ કરવામાં આવશે. અભિનેત્રી કંગના રનૌતે ખુલ્લેઆમ બોલીવુડમાં ચાલી રહેલા નેપોટિઝમ- ભાઈ ભત્રીજાવાદનો પર્દાફાશ કર્યો હતો. બોલીવુડ માફિયા અને સ્યુસાઈડ ગેન્ગ વિષે તેમણે સ્પષ્ટપણે બોલીવુડના જાણીતા મોટા ગજાના નિર્માતા – નિર્દેશકો પર આક્ષેપ મૂક્યા હતા. કરણ જોહર, આદિત્ય ચોપરા, સલમાન ખાન સહિતના લોકો પર તેમણે બોલીવુડમાં ચલાવવામાં આવતા એકહથ્થુ શાસન અને નવોદિતોને આઉટસાઈડર ગણીને તેમની કરવામાં આવતી અવગણના અને અપમાન વિષે રિપબ્લિક ચેનલના સંચાલક અર્ણવ ગોસ્વામી સમક્ષ રજૂઆત કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પીઢ અબિનેતા શત્રુધ્ન સિંહાએ પણ સુશાંત સિંહના કસમયના મૃત્યુના કિસ્સા અંગે સીબીઆઈની તપાસની માગણી કરી હતી. સુશાંત સિંહ રાજપૂતના અનેક ચાહકો સીબીઆઈ તપાસની માગણી સતત કરતા રહ્યા છે. જેથી સાચી હકીકત લોકોની સામે આવે.