સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસ સીબીઆઈ કરશેઃ સુપ્રીમ કોર્ટનો આદેશ 

 

       સુપ્રીમ કોર્ટે આજે 19 ઓગસ્ટના આપેલા ચુકાદામાં સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે, સુશાંત સિંહની કહેવાતી આત્મહત્યાના મામલાની તપાસ સીબીઆઈ હસ્તક સોંપવામાં આવે. જાણવા મળેલી માહીતી અનુસાર, સર્વોચ્ચ અદાલતનો ચુકાદો આવે એની અગાઉ જ સીબીઆઈએ પોતાની તપાસના ચક્રે ગતિમાન કરી દીધાં હતા. હવે આગામી એક કે બે દિવસમાં સીબીઆઈની ટીમ તપાસ માટે મુંબઈ જવા રવાના થશે. આ ટીમ સુશાંત સિંહના કેસની તપાસને આગળ ધપાવશે. 

   સીબીઆઈએ આ મામલાની તપાસ માટે ગુજરાત કેડરના આઈપીએસ મનોજ શશીધરની આગેવાની હેઠળ એસઆઈટીની ટીમની રચના કરી છે. ગુજરાત કેડરની મહિલા અધિકારી આઈપીએસ ઓફિસર ગગનદીપ ગંભીર પણ આ ટીમમાં શામેલ છે. જેઓ દિલ્હી સ્થિત સીબીઆઈ ઓફિસમાં કાર્યરત છે. 

     હવે લોકોને એ જાણવાની ઉત્સુકતા છેકે, સીબીઆઈની તપાસ ટીમ મુંબઈ આવીને શરૂઆત કયાંથી કરશે, કેવી રીતે કરશે, મુંબઈની પોલીસ તેમને સહયોગ આપશે, સીબીઆઈને કેવા કેવા સવાલો અને કસોટીનો સામનો કરવો પડશે વગેરે. 

 પ્રાપ્ત માહિતી અનુસાર, સીબીઆઈની ટીમ મુંબઈ આવીને સૌ પ્રથમ તો મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં કરેલી તપાસનો સંપૂર્ણ રિપોર્ટ માગશે. સીબીઆઈ મુંબઈ પોલીસની કેસ ડાયરી, અત્યારસુધીમાં મુંબઈ પોલીસ દ્વારા લેવામાં આવેલા 56 વ્યક્તિઓનાં બયાન, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, તેમજ ફોરેન્સિક તપાસના રિપોર્ટની કોપી પણ માગશે. 

  સીબીઆઈની ટીમ સુશાંત સિંહ રાજપૂતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનારા કુપર હોસ્પિટલના ડોકટરોના બયાન પણ લેશે. મુંબઈ પોલીસના જે પોલીસ અધિકારીઓ આ કેસમાં સંકળાયેલા હશે તેમાંના કેટલાકની પૂછપરછ પણ કરવામાં આવશે. 

        આ કેસમાં સુશાંત સિંહ રપાજપૂતના પિતાએ જેમના પર આરોપ મૂકીને  એફઆઈઆર દાખલ કરી હતી તે રિયા ચક્રવર્તી અને તેના પરિવારજનો – રિયાના પિતા ઈન્દ્રજીત ચ્રકવર્તી, માતા સંધ્યા ચક્રવર્તી, ભાઈ શોવિક ચક્રવર્તી, સુશાંતના મૅનેજર સેમ્યુઅલ મિરાંડા અને શ્રુતિ મોદીની પણ પૂછપરછ કરવામાં આવશે. 

  શક્ય છે કે બોલીવુડના નેપોટિઝમના દ્રષ્ટિકોણને અનુસરીને, મહેશ ભટ્ટ, આદિત્ય ચોપરા, કરણ જોહર , સંજય લીલા ભણશાલીની સાથે પણ વાત કરવામાં આવશે.