સુરત મહાનગરપાલિકાના મેયરપદે હેમાલીબહેન બોધાવાળાની નિમણૂંક

 

સુરતઃ સુરતના મેયરપદ માટેની હોટ રેસમાં છેવટે મૂળ સુરતી મોઢ વણિક હેમાલીબહેન બોધાવાળા બાજી મારી ગયાં છે. સુરત મહાનગરપાલિકામાં આ વરસે મેયરપદના અઢી વર્ષ મહિલા માટે અનામત હતા જેના પગલે ચૂંટણી પરિણામો જાહેર થયાં ત્યારથી આ પદ માટે પક્ષમાં કામ કરવાનો બહોળો અનુભવ ધરાવતા મહિલા આગેવાન નગરસેવકો તથા યુવા મહિલા નગરસેવકોમાં ભારે રસાકસી હતી. પાલિકાની ચૂંટણી કરતાં પણ વધુ ચર્ચાઓ આ વખતે મેયરપદનો કળશ ક્યા મહિલા નગરસેવક પર ઢોળાશે તેના પર ચાલી હતી. જેમાં સૌથી મોખરે મૂળ સુરતી હેમાલીબહેન બોધાવાલા અને સૌરાષ્ટ્રવાસી દર્શિનીબહેન કોઠિયા હતા. તે ઉપરાંત ઉર્વશીબહેન પટેલ, વૈશાલી શાહ અને નેન્શી શાહના નામો પણ ચર્ચાયા હતા.

અડાજણ-પાલના સુમેરૂ બિઝનેસ હબ સ્થિત ઓફિસમાં મેન્ડટેડ પ્રક્રિયાની પૂર્ણતા બાદ બાજુમાં જ આવેલા પાલ સંજીવકુમાર ઓડિટોરિયમમાં સુરત મહાનગરપાલિકાની ૨૦૨૧ની પ્રથમ સામાન્ય સભા મળી હતી જેમાં મેયરપદનો તાજ પહેરવા મૂળ સુરતી મોઢ વણિક મહિલા હેમાલીબેન બોઘાવાળા ભાગ્યશાળી બન્યા હતા. જેઓને મ્યુનિસિપલ કમિશનર બંછાનીધિ પાનીએ પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા . જ્યારે ડેપ્યુટી મેયર તરીકે સૌરાષ્ટ્રવાસી દિનેશ જોધાણી, પાલિકામાં સૌથી મહત્ત્વના મનાતા સ્થાયી સમિતિના અધ્યક્ષપદ પર ભૂતપૂર્વ ચેમ્બર પ્રમુખ તથા બિઝનેસ અગ્રણી પરેશ પટેલ અને શાસકપક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપૂતની પસંદગી કરવામાં આવી હતી. જયારે દંડક તરીકે પ્રદેશ ભાજપે વિનોદ પટેલની પસંદગી કરી છે. ભાજપના સભ્યોએ ભારતમાતાની જયજયકાર સાથે તમામ વરણીઓને વધાવી લીધી હતી.

મેયર હેમાલીબહેન બોઘાવાળા ભાજપના સિનિયર મહિલા કાર્યકર છે

ભાજપના સિનિયર મહિલા કાર્યકર તરીકે વર્ષોથી પક્ષમાં સેવા કરતાં હેમાલી બોઘાવાળા અગાઉ એસટી નિગમના ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યાં છે. વોર્ડ નંબર ૧૧ અડાજણ ગોરાટમાંથી વિજેતા થયેલા હેમાલીબેન પૂર્વ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સાથે સારો ધરોબો ધરાવતા હોવાનું કહેવાય છે. ૧૨મી માર્ચના રોજ મેયરપદ તરીકે તેઓની વરણીના પગલે હેમાલીબહેન બોઘાવાળા શહેરના ૩૫માં મેયર બન્યા છે. ૧૯૭૫માં ૬ઠ્ઠી મેનાં રોજ જન્મેલા હેમાલીબહેન આર્ટસ ફેકલ્ટીના સ્નાતક છે અને તેઓએ ૨૦૦૩માં મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ, વારાણસીથી બીએ વીથ ઈંગ્લીશનો અભ્યાસ કર્યો છે. ઘણાં લાંબા સમયથી ભાજપમાં સક્રિય હેમાલીબહેન ત્રીજી વખત પાલિકામાં નગરસેવક તરીકે ચૂંટાઈ આવ્યા છે. ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રીપદની જવાબદારી પણ તેઓ સંભાળી ચૂક્યાં છે. હેમાલીબહેન બોઘાવાળાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તમામ સાથે મળીને સુરતને વિશ્વના ફલક પર આગવું સ્થાન મળે તેવા પ્રયાસ કરીશું અને આ શહેરને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જઈશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here