સુરતમાં ૩૦ લાખ પાણીની બોટલ સ્ક્રેપ કરી ૨.૫૦ લાખ કિલો યાર્નના દોરા બનાવ્યા

 

સુરત ઃ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજીત યાર્ન એક્સપોમાં છેલ્લા બે દિવસ દરમિયાન દેશભરમાંથી વિવર્સ અને બાયર્સ મળી ૧૫,૦૦૦ જેટલા મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા. દક્ષિણ ભારતમાથી આવેલા વિવર્સને સુરતના યાર્ન મેન્યુફેકચર્સ દ્વારા પર્યાવરણની સુરક્ષા માટે સુરતમાં મળી રહેલા ૨૦ જેટલા ઈકો ફ્રેન્ડલી યાર્ન દર્શાવવામાં આવ્યા હતા. 

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતુ કે, સુરતમાં બામ્બુ, બનાના, પાઈનેપલ, કોકોનટ, મકાઈમાંથી બનેલા નેચરલ યાર્ન રજૂ કરવામાં આવ્યા છે. આ પ્રકારના ૨૦ જેટલા યાર્ન રજૂ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત પ્લાસ્ટિકની વેસ્ટ બોટલમાંથી તૈયાર કરવામાં આવેલું યાર્ન પણ રજૂ કરવામાં આવ્યું છે. આ તમામ યાર્ન અહિંસક સિલ્ક એટલે કે વિગન સિલ્ક તરીકે વિવર્સો ખરીદી રહ્યા છે. આ તમામ યાર્ન ૧૦૦ ટકા રીસાયકલ યાર્ન છે જેનો ઉપયોગ મેડિકલ ફેબ્રિક્સ બનાવવા થઈ રહ્યો છે. તે ઉપરાંત સુરતની ઓળખ સમાન પોલિયેસ્ટર, વીસ્કોસ અને નાઈલોન યાર્નની વેરાયટી પણ રજૂ કરાઈ છે. નાઈલોન એન્ડ પોલિસ્ટર હાઈટેનાસિટી યાર્ન જેનો ઉપયોગ ઔદ્યોગિક હેતુ માટે થઈ રહ્યો છે તે પણ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવ્યું છે.

બે દિવસના પ્રદર્શન દરમિયાન ઈચ્છલકરંજી, સેલમ, તિરુપુર, ઈરોડ, ચેન્નઈ, વારાણસી, નાસીક, નવાપુર, મુંબઈ, દિલ્હી, કોલકતા, હૈદરાબાદ, ઈંદોર, જયપુર, વેંકટગીરી, ગુડગાંવ, ભીલવાડા, ભોપાલ, બેંગલુરુ, ભાગલપુર અને લુધીયાણાથી પણ વિવર્સો યાર્ન એક્સોમાં આવ્યા છે. કોલંબોથી પણ વિવર્સો આ પ્રદર્શનમાં પહોંચ્યા છે. ઘણાં બહારગામના વિવર્સોએ ડાઈડ યાર્ન, ફેન્સી યાર્ન અને નેચરલ યાર્ન પ્રથમવાર સુરતમાં નીહાળ્યા છે. કુલ ૧૫૦ જેટલી યાર્ન-ડેનિયરની આઈટમો રજૂ કરવામાં આવી છે. બનાના, પાઈનેપલ, બામ્બુ અને પ્લાસ્ટિકમાંથી બનતું યાર્ન મોંઘુ છે. જે ફેશન અને મેડિકલ ઈન્ડસ્ટ્રીમાં તેનો વપરાશ થાય છે.

ગ્રીન સેલ યાર્નમાંથી સિલ્ક જેવુ સસ્તુ કપડું પણ બનાવવામાં આવી રહ્યું છે. જે સિલ્કના કપડા કરતા ૭૫ ટકા સસ્તુ છે. યાર્ન એક્સપોમાં ભાગ લેનાર રાજેશ મોદીએ જણાવ્યું હતું કે લાયોસિલ ફિલામેન્ટ યાર્ન કે જે ગ્રીન સેલ યાર્ન તરીકે ઓળખાય છે. તેનાથી પર્યાવરણને બીલકુલ નુકસાન થતું નથી. તે આ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવ્યું છે. આ યાર્નમાંથી બનેલા કપડાનો દેખાવ અને સ્પર્શ સિલ્ક ફેબ્રિક્સ જેવો લાગે છે, અને તે સિન્થેટિક કપડા જેટલી મજબુતાઈ ધરાવે છે. લાકડામાંથી પલ્પ અને પલ્પમાંથી યાર્ન બનાવવામાં આવે છે. સ્વિડન અને કેનેડામાં ખાસ પ્રકારના લાકડામાંથી પલ્પ તૈયાર કરવામાં આવે છે. વિદેશમાં આ પ્રકારના જેટલા લાકડા કાપવાની મંજૂરી મળે છે તે પહેલા આ પ્રકારના દસ ગણા વધારે લાકડા પહેલાં રોપવા પડે છે જેથી ફેબ્રિક્સ બનાવવા માટે લાકડુ ખૂટી ન જાય.