સુરતમાં પાંચ નવેમ્બરથી હજીરા-દીવ ક્રૂઝ સેવા શરૂઃ ક્રુઝ પર બિયર, વ્હિસ્કી પણ મળશે

 

સુરતઃ ખાણીપીણીના શોખીન સુરતીઓને હવે દમણ સુધી જવાની જરૂર નહીં પડે. હરવા-ફરવા સાથે જલસા કરવાની પ્રકૃત્તિ ધરાવતા સુરત અને દક્ષિણ ગુજરાતના લોકો માટે દિવાળી ગિફ્ટ જેવા સમાચાર છે. 

સુરતથી હજીરા-ઘોઘા રો રો પેક્સ શરૂ થયા બાદ ૭ મહિના પછી મુંબઇ મેડેન ૫ નવેમ્બરથી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ કરી રહી છે. ખાસ વાત એ છે કે સમુદ્રની લહેરોનો આનંદ માણવાની સાથે સુરતીઓ આ ક્રૂઝમાં બિયર, વ્હિસ્કી, વાઇન અને વોડકા સહિતના લિકરનો લાભ પણ મેળવી શકે છે. ક્રૂઝમાં કસિનો, નાઇટ ક્લબ , રેસ્ટોરન્ટ અને હોટલ જેવી પણ સુવિધા હશે. મુંબઇ મેડેનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ૩૧ માર્ચ, ૨૦૨૦થી આ ક્રૂઝ શરૂ થઈ હતી. પણ એપ્રિલથી કોરોના વધતા બંધ કરાઈ હતી. હવે તે ૫ નવેમ્બરથી ફરી શરૂ થશે.

ક્રૂઝ સુરતના હજીરાથી ૫ નવેમ્બરે ૧૮ઃ૩૦ કલાકે ઉપડી ૬ નવેમ્બરે ૮ઃ૩૦ કલાકે દીવ પહોંચશે. ૭મીએ ૧૨ઃ૦૦ કલાકે ઉપડી ૮મીએ હજીરા ૨ઃ૦૦ કલાકે પહોંચાડશે. ક્રૂઝમાં ૧૨થી ૧૪ કલાકની મુસાફરી હશે. ક્રૂઝ સુરતના હજીરા એસ્સાર પોર્ટથી ઉપડશે. હજીરા-હાઇ સી-હજીરા રાતે ૨૨ઃ૦૦ કલાકે ઉપડીને હાઇ સીમાં જશે અને બીજા દિવસે સવારે ૬ઃ૦૦ કલાકે પરત થશે. આ સાથે દીવ- હાઇ સી-દીવની દીવથી ૨૧ઃ૦૦ કલાકે ઉપડીને હાઇ સીમાં જઇને બીજા દિવસે ૬ઃ૦૦ કલાકે ફરી દીવ આવશે. સુરતથી હજીરા-ઘોઘા રો રો પેક્સ શરૂ થયા બાદ તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને દિવાળીના દિવસોમાં લોકો વતન જવાની સાથે તેમાં ફરવાનો પણ આનંદ માણી રહ્યા છે. ત્યારે હવે મુંબઇ મેડેન ૫ નવેમ્બરથી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ કરશે જે સુરતીઓ માટે અનેરો લ્હાવો હશે.

હજીરા-ઘોઘા રો રો પેક્સ શરૂ થયા બાદ ૭ મહિના પછી મુંબઇ મેડેન ૫ નવેમ્બરથી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ કરી રહી છે. જેમાં બિયર, વ્હિસ્કી, વાઇન અને વોડકા સહિતના લિકર પણ મળશે. ક્રૂઝમાં કસિનો, નાઇટ ક્લબ , રેસ્ટોરન્ટ અને હોટલ જેવી પણ સુવિધા હશે.જોકે મુંબઈમાં એનસીબીની ક્રૂઝ પર રેઇડ બાદ મુંબઇ મેડેને સૂચના જાહેર કરી છે કે ડ્રગ્સ જેવા પદાર્થ સાથે કોઇ પકડાશે તો ક્રૂઝની સિક્યુરિટી તેને પકડીને પોલીસને હવાલે કરશે.