સુરતની ૧૬ વર્ષીય હીર પારેખે ૯૦ ડિગ્રી સ્ટ્રેચ કર્યા હાથ-પગ, દેશ-વિદેશમાં પ્રશંસા

0
618

સુરતઃ અત્યાર સુધી લોકોએ સ્વસ્તિકના અનેક રૂપ જાયો હશે પરંતુ સુરતની ૧૬ વર્ષીય હીર પારેખે જે સ્વસ્તિની રચના કરી છે, તેની પ્રશંસા દેશ-વિદેશમાં થઈ રહી છે. હીર પારેખે પોતાના બંને હાથ અને પગ ૯૦ ડિગ્રી પર સ્ટ્રેચ કરી સ્વસ્તિકનો આકાર બનાવ્યા છે. જેની તસવીર સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

૧૬ વર્ષીય હીર પારેખ ધોરણ ૧૦ની વિદ્યાર્થિની અને એથ્લેટિક છે. રાજ્ય સ્તરની પ્રતિયોગિતામાં તેણીએ એક સિલ્વર અને ગોલ્ડ મેડલ પણ મેળવ્યો છે. પરંતુ સોશિયલ મીડિયામાં તેના એક ખાસ એથ્લેટિક પોઝની પ્રશંસા ખૂબ જ થઈ રહી છે. પિતા અને બહેનને સ્વસ્તિકના ચિન્હની સોશિયલ મીડિયા પર તપાસ કરતા જોઈ તેને આ સ્વસ્તિક પોઝની કલ્પના આવી હતી. માત્ર ગણતરીની મિનિટોમાં હીર પારેખે પોતાના બંને હાથ અને પગને ૯૦ ડિગ્રીમાં મૂકી સ્વસ્તિક પોઝની રચના કરી હતી.

આ અંગે હીર પારેખે જણાવ્યું હતું કે, હાલ કોરોનાની મહામારીમાં લોકોમાં સર્જાયેલી નકારાત્મકતાને દૂર કરવા માટે આ ખાસ સ્વસ્તિક પોઝ બનાવ્યો છે. ટોપ એંગલથી જોવા પર સ્વસ્તિક સ્પષ્ટ રીતે જોવા મળે છે. પોતે એથ્લેટિક હોવાના કારણે સહેલાથી આ પોઝ બનાવી લીધો. તેણીએ જણાવ્યું કે તે ક્યારે પણ સોશિયલ મીડિયા પર પોતાની તસવીર અપલોડ કરતી નથી, પરંતુ સ્વસ્તિકની તસવીર પ્રથમવાર અપલોડ કરી લોકોને આ તસવીરના માધ્યમથી સકારાત્મક સંદેશ પહોંચાડવા માગે છે.

હીર પારેખ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ખાસ સ્વસ્તિક પોઝ દેશના અનેક રાજ્યો સહિત અમેરિકા, ઈટલી સહિત અન્ય દેશોમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.