સુરતની ફેશનોવાએ સાડી પર પહેરી શકાય એવી વિશ્વની પહેલી પીપીઈ કીટ બનાવી

 

સુરતઃ વિશ્વભરમાં ટેકસટાઇલ નગરી તરીકે જાણીતું સુરત શહેર હવે ક્રિયેશનના ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે. એટલું જ નહિ પણ હંમેશા કઈક નવું કરવા અગ્રેસર હોવા સાથે જ આપત્તિને અવસરમાં બદલવામાં પણ માહિર છે. કોરોના મહામારી વચ્ચે પણ સુરતે આ સાબિત કરી બતાવ્યું. સુરતની ફેશન ડિઝાઇન ડેવલોપમેન્ટ સેન્ટર ફેશોનોવાએ સાડી પર પહેરી શકાય એવી વિશ્વની પહેલી પીપીઇ કીટ ડિઝાઇન કરી છે અને આ કીટ ને સિટ્રા દ્વારા સ્વીકૃતિ પણ મળી ગઇ છે. આ કીટ ને કોવીડ નારી કવચ નામ આપ્યું છે.

આ અંગે ફેશેનોવાના સંચાલક અંકિતા ગોયલે જણાવ્યું હતું કે હાલ જે પીપીઈ કીટ કોરોના વોરિયર્સને આપવામાં આવે છે તે સાડી પર પહેરી શકાય એમ નથી, જ્યારે આપણા ત્યાં આજે પણ મોટાભાગની મહિલાઓ પછી તે મેડિકલ ફિલ્ડમાં પણ જોડાયેલી હોય તો પણ સાડી પહેરવાનું પસંદ કરતી હોય છે. હાલમાં જ કેરલ સરકારે કોવિડ કેર સ્ટાફ માટે પીપીઇ કીટ પહેરવા માટે ટીશર્ટ કે શર્ટ ફરજિયાત કરતા સાડી પહેરતી મહિલા કોવિડ સ્ટાફ મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે ફેશોનોવા દ્વારા આ માટે આગળ વધવાનો નિર્ણય કરાયો અને સેન્ટર સાથે જોડાયેલા ફેશન ડિઝાઈનર સૌરવ મંડલે સાડી પર પહેરી શકાય તેવી કવેરોલ પીપીઈ કીટ ડિઝાઇન કરી. રોજની પાંચ હજાર કીટનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે. વધુમાં અનુપમ ગોયલે કહ્યું હતું કે અત્યાર સુધી સુરત માત્ર ટેકસટાઇલ હબ તરીકે જ જાણીતું છે, પણ હવે ડિઝાઈનીંગ અને ક્રિએશન ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે, સાડી પર પહેરી શકાય તેવી પીપીઈ કીટ આ તેનું ઉદાહરણ છે.

હાલમાં સુરતમાં અવનવા માસ્ક મળી રહ્યા છે. લોકો મેચિંગ માસ્કનો આગ્રહ રાખી રહ્યા છે ત્યારે ટ્રાન્સપરન્ટ કે થ્રીડી માસ્કનો ક્રેઝ પણ વધી રહ્યો છે. ત્યારે હવે પીપીઈ કીટ પણ ડ્રેસ પ્રમાણે કમ્ફર્ટેબલ રહે તે રીતે બનાવવાનું શરૂ કરાયું છે. કોરોના વાઇરસની આ પરિસ્થિતિ લાંબો સમય રહેવાની છે ત્યારે માસ્ક પણ આપણી જીવનશૈલીનો હિસ્સો બને તો નવાઈ નહિ. સાથે જ હોસ્પિટલમાં કાર્ય કરતાં આરોગ્ય કર્મચારીઓને પણ સાડી, ડ્રેસ પર પહેરી શકાય તેવી પીપીઈ કીટ ઉપયોગી નીવડશે