સુરતની કલાપી પ્રાથમિક શાળામાં ‘સાચી જોડણી લાગે વહાલી’ સેમિનાર યોજાયો

 

સુરતઃ વિદ્યાર્થીઓ સાચું લખીને માતૃભાષાનું સંવર્ધન કરવા પ્રેરાય એવા આશયથી નગર પ્રાથમિક શિક્ષક સંઘ સુરત સંચાલિત કવિ શ્રી કલાપી પ્રાથમિક શાળામાં ૧૬મી ફેબ્રુઆરીએ ડાહ્યાભાઈ પાર્કમાં ‘સાચી જોડણી લાગે વહાલી’ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

શાળાનાં આચાર્યા સ્નેહાબહેન પટેલ  અને દિલીપભાઈ લાડે તજજ્ઞ રાજેશભાઈ ધામેલિયાનું સ્મૃતિભેટ દ્વારા સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજેશભાઈ ધામેલિયાએ જણાવ્યું હતું કે માતૃભાષાને સાચી રીતે પ્રયોજવી એ આનંદ અને ગૌરવની બાબત છે. પ્રાથમિક શાળાથી જ વિદ્યાર્થીઓને જોડણીના નિયમોની ગમ્મત સાથે સમજ આપવામાં આવી હોય તો તેને ખૂબ રસ પડે અને સહેલાઈથી સાચી જોડણી શીખી શકે છે. વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળાથી સાચી જોડણનું મહત્ત્વ સમજાવીને શીખવવાથી આગળ જતાં ખૂબ સારું પરિણામ મેળવી શકાય છે.

આ સેમિનારમાં ગુજરાતી ભાષામાં વારંવાર વપરાતા શબ્દોની શુદ્ધ અને અશુદ્ધ જોડણી અંગે સમજ આપવામાં આવી હતી. જોડણીના કેટલાક નિયમો ખૂબ સહેલા છે, એની સમજ કેળવવાથી હજારો શબ્દોની સાચી જોડણી લખી શકીએ છીએ. આ અંગે વિદ્યાર્થીઓને વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીઓને વાર્તા સાથે નિયમો સમજવામાં ખૂબ આનંદ આવ્યો હતો.

ધોરણ ૬, ૭ અને ૮ની વિદ્યાર્થિનીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લીધો હતો. આ સેમિનાર દરમિયાન પૂછવામાં આવેલા વિચારપ્રેરક પ્રશ્નોના જે વિદ્યાર્થિનીઓએ યોગ્ય રીતે જવાબ આપ્યા હતા, તેમનું પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

શાળાનાં શિક્ષિકા ભાવિશાબહેન હીંગરાજિયાએ  આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આજે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઘણું નવું શીખવા મળ્યું છે. આજે માતૃભાષા અંગે મેળવેલું જ્ઞાન સૌને જીવનભર ખૂબ ઉપયોગી થશે. 

આ સેમિનારમાં શાળાનાં આચાર્યા સ્નેહાબહેન પટેલ તેમજ શિક્ષકો દિલીપભાઈ લાડ, ભાવિશાબહેન હીંગરાજિયા, અલ્પાબહેન પટેલ, રમેશભાઈ જોષી, જિજ્ઞાસાબહેન પાટણવાડિયા, સંદીપભાઈ પટેલ, સ્નેહલભાઈ ચૌધરી, રક્ષાબહેન વૈષ્ણવ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. સી.આર.સી. કો-ઓર્ડિનેટર ધર્મેશભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.