સુરતના બાળકનું હૃદય રશિયા અને ફેફસા યુક્રેનના બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા

0
815

 

 

સુરતઃ સુરતમાં પડી જવાથી બ્રેઇનડેડ થયેલા અઢી વર્ષના બાળકના અંગોનું દાન પરિવારે કરી સાત લોકોની જિંદગી બચાવી છે. અઢી વર્ષના બાળકનું હૃદય રશિયાના બાળકમાં ધબકશે અને ફેફસા યુક્રેનના બાળકમાં શ્વાસ ભરશે.

પ્રાપ્ત વિગતો મુજબ સુરતના અલથાણ ટેનામેન્ટની બાજુમાં શાંતિ પેલેસમાં રહેતા પત્રકાર સંજીવ રમેશભાઇ ઓઝાનો અઢી વર્ષનો પુત્ર જશ તારીખ ૯ ડિસેમ્બરના રોજ પડોશીના ઘરે રમતી વખતે બીજા માળેથી અકસ્માતે નીચે પડી ગયો હતો. પરિવારજનો તેને બેભાન હાલતમાં ભટારની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતાં. તેને માથામાં ગંભીર ઇજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. તબીબોએ નિદાન માટે સિટીસ્કેન અને એમઆરઆઇ કરાવતાં તેને બ્રેઇન હેમરેજ તથા મગજમાં સોજો હોવાનું બહાર આવ્યું હતું.

પાંચ દિવસની સારવાર બાદ ગઇ ૧૪ ડિસેમ્બરના રોજ તબીબોએ તેને બ્રેઇનડેડ જાહેર કર્યો હતો. ડોનેટ લાઇફને જાણ કરાતા નિલેશ માંડલેવાલા સહિતના આગેવાનો ભટારની ખાનગી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. ડોનેટ લાઇફે પરિવારને અંગદાનનું મહત્ત્વ સમજાવી અંગોનુ દાન કરવા કહ્યું હતું. પત્રકાર સંજીવ ઓઝા તથા તેમના પરિવારે પણ અંગદાનની મંજુરી આપતા ડોનેટ લાઇફ દ્વારા જશનું હૃદય, ફેફસા, બે કિડની, એક લીવરનું દાન લીધું હતું. જયારે ચક્ષુઓનું દાન લોકદષ્ટિચક્ષુ બેંકે લીધું હતું.

જશના હૃદય અને ફેફસા માટે ગુજરાતમાં તથા મુંબઇમાં કોઇ દર્દી નહીં હોવાથી નાટોને જાણ કરવામાં આવી હતી. જેથી ચેન્નાઇની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા રશિયાના ૪ વર્ષના બાળકને હૃદય અને યુક્રેનના ૪ વર્ષિય બાળકને ફેફસાની તકલીફથી પીડાતું હોવાનું બહાર આવતા જશનું હૃદય અને ફેફસા સુરતથી ૧૬૧૫ કિલોમીટરનું અંતર ૧૬૦ મિનિટમાં ચેન્નાઇ મોકલાવી દેવામાં આવ્યું હતું. જયાં તબીબી ઓપરેશન બાદ જશનું હૃદય રશિયાના બાળકમાં ધબકશે અને ફેફસા યુક્રેનના બાળકમાં શ્વાસ લેશે.

બ્રેઇનડેડ જશની કિડની અને લીવરનું દાન પણ આઇકેડીઆરસી દ્વારા લેવામાં આવ્યું હતું. જશની બે કિડની પૈકી એક કિડની સુરેન્દ્રનગરની ૧૩ વર્ષની બાળકીમાં અને બીજી કિડની સુરતની રહેવાસી ૧૭ વર્ષિય બાળકીમાં અને જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરના બે વર્ષની બાળકીમાં કરવામાં આવ્યું છે.