સુરતના ટેક્ષટાઇલ માર્કેટમાં લાંબા સમય બાદ ખરીદી નીકળી

 

સુરતઃ કોરોના સંક્રમણના દોઢ વર્ષ પછી કાપડ ઉદ્યોગમાં રો-મટીરીયલના ભાવ વધારા છતાં તેજી જોવા મળી રહી છે. તેને પગલે કાપડના વેપારીઓએ દિવાળી વેકેશન ટૂંકુ રાખવાનો નિર્ણય લીધો છે.

દિવાળી પછી પણ તહેવારો અને લગ્નસરાના મુર્હૂત હોવાથી કાપડના વેપારીઓએ ૪ થી ૯ નવેમ્બર સુધી ટૂંકુ દિવાળી વેકેશન રાખવાનું નક્કી કર્યું છે અને ૧૦ નવેમ્બરથી કાપડ માર્કેટ ફરી શરૂ થશે. કોરોનાને લીધે ગયા વર્ષે દિવાળી, ક્રિસમસ, રમઝાન, દુર્ગાપૂજા સહિતના તહેવારોનો વેપાર બંધ રહ્યો હતો. સ્કૂલો બંધ રહેતા યુનિફોર્મના કાપડની ખરીદી પણ અટકી હતી. હવે સ્કૂલો રાબેતા મુજબ થઇ રહી હોવાથી કાપડ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે.

વેપારીઓ ગયા વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પાંચ દિવસનું ટૂંકુ વેકેશન રાખવા માગ કરી રહ્યા છે. ૪ ઓકટોબરે મુર્હૂતના સોદા માટે માર્કેટ ખોલી બંધ કરવામાં આવશે અને ૧૦ નવેમ્બર મુર્હૂત સાથે માર્કેટ ફરી ખોલવામાં આવશે.

નવેમ્બર ડિસેમ્બરમાં લગ્નસરા અને તહેવારોની સિઝન હોવાથી કાપડના વેપારીઓ પાછલા દોઢ વર્ષની ખોટ આ તેજીમાં સરભર કરવા માંગે છે. ઉત્તર અને દક્ષિણ ભારતના ઓર્ડરને જોતા કાપડની મિલોમાં ગ્રે કાપડનો ભરાવો થયો છે. તેને લીધે સુરતની ડાઇંગ મિલો પણ માત્ર દસથી બાર દિવસનું ટૂંકું વેકેશન રાખવા માંગે છે. બહારગામની તેજીને લીધે કોરોનાકાળ દરમિયાન પડી રહેલો જૂનો સ્ટોક ડિસ્કાઉન્ટ ભાવે ક્લિયર થઇ ગયો છે. દિવાળી પછી લગ્નસરા અને પોંગલની અને તે પછી હોળી પર્વેની ખરીદી થઇ શકે છે.

ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે દિવાળી અને લગ્નસરાની સિઝનને લીધે દક્ષિણ ભારત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કાપડના પાર્સલની ડિલિવરી વધી છે. લગ્નસરા અને પોંગલનો પણ સારો વેપાર થવાની અપેક્ષા છે. વેપારીઓ ગયા વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પાંચ દિવસનું ટૂંકુ વેકેશન રાખવા માગ કરી રહ્યા છે. ૪ ઓકટોબરે મુર્હૂતના સોદા માટે માર્કેટ ખોલી બંધ કરવામાં આવશે અને ૧૦ નવેમ્બર મુર્હૂત સાથે માર્કેટ ફરી ખોલવામાં આવશે. (ગુજરાત ટાઇમ્સ સંકલન)