સુરતના જમણથી કાશીના મરણ સુધી

0
1116

 

ટહુકો

ખજૂરાહોથી વારાણસી જતી ફ્લાઇટમાં એક અમેરિકન ગૃહિણી સાથે બેઠી હતી. એ સ્ત્રી વારાણસીના પ્રેમમાં હતી. વર્ષો પહેલાં એ ત્યાં ખાસું રહી ચૂકી હતી. એની માન્યતા મુજબ પૂર્વજન્મમાં એ વારાણસીની રહેવાસી હતી. ઘણી વાતો થઈ તેનો સાર એ હતો કે ખરું ભારત વારાણસીમાં જ વસે છે. વિદાય લેતી વખતે એણે સાન્ફ્રાન્સિસ્કોના નિવાસનું  સરનામું લખી આપ્યું અને પોતાની દીકરીનું નામ લખ્યું ‘KASHI’. ઘરમાં સૌ એ દીકરીને ‘કાશીદેવી’ કહે છે.

વારણા અને અસી નદીના સંગમ પર વસ્યું તે નગર ‘વારાણસી’ કહેવાયું. પહેલાં એ ગોમતી અને ગંગાના સંગમ પર વસેલું હતું. આજે પણ બનારસ હિન્દુ યુનિવર્સિટીના ગીતમાં વારાણસીનો મહિમા ‘વિદ્યા કી રાજધાની’ તરીકે થતો રહ્યો છે. આપણી પુરાણપુરાતન પંડિત પરંપરા અહીં સદીઓથી ગંગાની સાથે વહેતી રહી છે. માંડ દસ કિલોમીટર દૂર સારનાથ આવેલું છે. ભગવાન બુદ્ધે એ સ્થાનેથી ધર્મચક્રપ્રવર્તન કર્યું હતું. બ્રાહ્મણ (વૈદિક) સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિનું સંગમતીર્થ એટલે કાશી.

સુરત અને કાશી વચ્ચેનો સેતુ કેવળ જમણ અને મરણ પૂરતો જ જળવાઈ રહ્યો છે એવું છેક નથી. સુરતી લાલા અને બનારસી બાબુ વચ્ચે ઉત્સવપ્રેમ, જીવનમસ્તી, બેફિકરાઈ અને મિષ્ટાન્નપ્રીતિનો અતૂટ સેતુ જીવતો છે. તમે કદી સંતરાંની બરફી ખાધી છે? કાશીની મીઠાઈઓનું વૈવિધ્ય એવું કે ડાયાબિટીસના દર્દીનું મોં કડવું થઈ જાય! બનારસી સાડીઓનું જરીવણાટ અને સુરતની સાડીઓનું જરીભરત અનોખું છે. યાદ રાખવું પડશે કે સુરત પંથકના પંડિત ઓમકારનાથ જેવા સંગીતરત્ન પણ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં વર્ષો સુધી રહ્યા હતા. ગુજરાતના જ નહિ, ભારતના વિખ્યાત ચિંતક સદ્ગત રોહિત મહેતા પણ મૂળે સુરતના, પરંતુ એમણે નિવાસ કર્યો કાશીમાં! સુરતના વિખ્યાત ચિત્રકાર વાસુદેવ સ્માર્તનું પણ એવું જ!! કોઈ સુરતીને કાશીમાં પારકું નહિ લાગે. બનારસી પાન હાઉસ આજે સુરતમાં જાણીતું છે.

જયશંકર પ્રસાદની કામાયની તમે વાંચી છે? તેઓ તપખીરના વેપારી હતા. કાશીની દાલમંડીમાં આવેલી દુકાને જવાનું બન્યું હતું. કહે છે કે સાંજ પડે ત્યારે એ દુકાને મુનશી પ્રેમચંદજી અને રામચંદ્ર શુક્લ જેવા મિત્રો આવીને બેસતા. બનારસની સંગીત પરંપરામાં મુજરાનું સ્થાન મહત્ત્વનું ગણાય. એક જમાનામાં રાજા-દરવાજા પાસે રૂપહાર તરીકે ઓળખાતી એક ગલીમાં માળ પરથી સિદ્ધેશ્વરી દેવી, વિદ્યાધરી, હુસ્ના, મેના અને રાજેશ્વરી જેવી પ્રખ્યાત ગાયિકાઓના મધુર કંઠેથી વહેતી શાસ્ત્રીય સંગીતની સૂરાવલીઓને કારણે કાશીની જીવનમાધુરી જળવાઈ જતી. વિખ્યાત શહનાઈવાદક બિસ્મિલ્લા ખાં જ્યારે ઘરેથી નીકળીને એ ગલીમાંથી પસાર થતા ત્યારે સો ડગલાં જેટલું અંતર કાપવામાં ત્રણેક કલાક લાગી જતા! માળ પર ચાલતા રિયાજમાંથી વહેતી સૂરાવલીમાં રાગ જયજયવંતી કે બાગેશ્રી કે યમનકલ્યાણ સાંભળવા માટે બિસ્મિલ્લાજી ઓટલા પર બેસી જતા. અમૃતલાલ નાગરે પુસ્તક લખ્યું છેઃ ‘યે કોઠેવાલિયાં.’ આજે એ ગલીમાં કેવળ કોલાહલ બચ્યો છે અને ક્ષીણ થયેલી સંગીત પરંપરાના ભગ્નાવશેષો બચ્યા તેમાં ફિલ્મી ગીતો સંભળાય છે. રાગ યમનકલ્યાણ માણી શકે એવા કદરદાન ગ્રાહકો પણ ઝાઝા રહ્યા નથી.

બનારસ હિન્દુ યુનિવર્સિટીનું કેમ્પસ તપોવનની મુદ્રા ધરાવનારું છે. યુનિવર્સિટીના નાક જેવું સ્થાનક છેઃ કલાભવન. અત્યંત અપ્રાપ્ય એવાં દુર્લભ શિલ્પો, ચિત્રો, પુસ્તકો અને બીજા દુર્લભ નમૂનાઓ અહીં આબાદ જળવાયાં છે. જહાંગીર જેમાં અફીણ લેતો તે ચલાણું ત્યાં મેં જોયું હતું. પ્રેમચંદજીના હસ્તાક્ષરમાં લખાયેલી વાર્તા ગોદાન અહીં સચવાયેલી છે. જાણી રાખવા જેવું છે કે વાર્તા લખતાં પહેલાં પ્રકરણના પ્લોટ અંગેની નોંધ પ્રેમચંદજીએ અંગ્રેજીમાં કરી હતી. આજે આ સંગ્રહાલયમાં જોવા મળતી અપ્રાપ્ય સામગ્રીના લાખો રૂપિયા બોલાય, પરંતુ એક જમાનામાં આવી બધી ચીજો રૂપિયા દસ-પંદરમાં મળેલી.

કાશીની એક ઉક્તિ જો માણસને સમજાઈ જાય તો એ જીવનમાં પાછો પડવાની ખો ભૂલી જાય. ટાળવું હોય તોય મૃત્યુ ટળે તેમ નથી. કાશીનું મરણ માણસને સ્વર્ગે પહોંચાડે એ વાતમાં માલ નથી. એક જ સૂત્ર કાયમ યાદ રાખવાનું છેઃ ‘મરો ત્યાં સુધી જીવો.’ કાશીની ઉક્તિ સાંભળોઃ

પૈર ગરમ,

પેટ નરમ ઔર સર કો રાખો ઠંડા,

દાક્તર બાબુ આવે

તો ઉસકો મારો દંડા!

કાશીમાં હોળી પછીના મંગળવારે એક જમાનામાં ‘બુઢવા મંગલ’ નામનો તહેવાર ઊજવાતો હતો. કાશીનરેશની સવારીનો ઘોડો જે ઓવારા સુધી જતો, તે ‘ઘુડવા ઘાટ’ તરીકે ઓળખાતો. પછી એ સવારી પંખીનૌકામાં આગળ વધતી. કાશીનરેશની પંખીનૌકાની આસપાસ રહેતી બજરા નૌકાઓમાં શ્રેષ્ઠ સંગીતકારો ઉપરાંત નૃત્યાંગનાઓનું સ્થાન રહેતું. છેલ્લે બીજી સામાન્ય નૌકાઓ જોડાતી.

દશેરાનો ઉત્સવ કાશીમાં સાવ અનોખી રીતે ઊજવાય છે. રામલીલામાં કથા મુજબ ક્રમશઃ ભજવાતા પ્રસંગો દસ દિવસો દરમિયાન જુદા જુદા  લત્તાઓમાં ભજવાય છે. એ લત્તાઓનાં નામો પણ રામકથાના પ્રસંગો પરથી પડ્યાં છે. જ્યાં લક્ષ્મણ શૂર્પણખાનું નાક કાપે, તે વિસ્તાર ‘નાક કટિયા’ તરીકે જાણીતો છે. આમ કાશીમાં ક્યાંક અયોધ્યા છે અને ક્યાંક ચિત્રકૂટ છે. ક્યાંક દંડકારણ્ય છે અને ક્યાંક લંકા પણ છે. માનશો? યુનિવર્સિટીનો સમગ્ર વિસ્તાર લંકા તરીકે જાણીતો છે! દશેરાના દિવસોમાં આખું કાશી રામમય બને છે. કાશીની રામલીલા અંગે અધિકૃત માહિતી ધરાવનાર ગુજરાતી મૂળના નાગર વિદ્વાનનું નામ ડો. ભાનુશંકર મહેતા છે. કાશીની પર્સનાલિટીને સમજવી હોય તો ભાનુશંકરભાઈ સાથે કલાકો ગાળવા પડે.

કાશીમાં એક અનોખું મંદિર છે. નામ છેઃ સત્યનારાયણ માનસ મંદિર. અહીં પ્રત્યેક ભાષાનાં રામાયણોની અલભ્ય હસ્તપ્રતો સચવાયેલી છે. ગોસ્વામી તુલસીદાસજી પોતે સામે પોથી રાખીને રામાયણ સંભળાવતા હોય એવી યાંત્રિક રચના છે. ત્યાં મુકેશના મધુર કંઠે રામાયણની ચોપાઈઓ મંદિરના પરિસરમાં ગુંજતી રહે છે. કાશીમાં કબીર ચૌરા આગળ આવેલા મઠમાં ગાંધીજી  ગયા ત્યારે તૈયાર રાખેલા ઊંચા આસન પર બેસવાને બદલે નીચે ભોંય પર બેસી ગયેલા. કબીરજી 120 વર્ષ જીવ્યા હતા, પરંતુ કાશીનું મરણ ત્યાગીને મગહર ગયા અને ત્યાં આત્મસ્થ થયા. ચાંદની અને તડકો જ્યાં સાથે વસે તે હૃદયનું નામ કબીર! ભક્તિ અને ક્રાંતિ એક જ વ્યક્તિમાં ભેગી થાય ત્યારે સમાજને કબીર મળે.  (ક્રમશઃ)