સુરતના એન્જિનિયરની કમાલ, દરિયાના ખારા પાણીને બનાવ્યું અમૃત જેવું મીઠું

0
833

 

 

સુરતઃ સંપૂર્ણ પણે સોલાર સિસ્ટમથી દરિયાના ખારા પાણીને મીઠું કરવાનો પ્લાન્ટ સુરતના ચાર એન્જીનિયર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટને ટૂંક સમયમાં સુરતના કાંઠા વિસ્તાર હજીરામાં વિકસાવવામાં આવશે. જેથી દરિયાકાંઠે રહેતી મહિલાઓને મીઠા પાણી માટે અનેક કિલોમીટર દૂર જવાની નોબત નહિ આવે. દેશનો આ પહેલો સોલાર પ્લાન્ટ છે. જેના થકી ખારા પાણીમાંથી મીઠા થયેલા પાણીને ષ્ણ્બ્ પ્રમાણે ગુણવત્તા ધરાવતા મિનરલ વોટરની શ્રેણી મળી છે.

સુરતના ચાર એન્જિનિયર દ્વારા એક એવો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે જે સંપૂર્ણ રીતે સોલાર સિસ્ટમથી ચાલે છે. આ પ્લાન્ટ થકી શરૂઆતમાં ૧૫૦૦ લિટર જેટલું મિનરલયુક્ત પાણી દરિયાના ખારા પાણીથી તબદીલ થઇ લોકોને મળી રહેશે. સુરતના યશ તરવાડી, ભૂષણ પર્વતે, જાહ્્નવી રાણા અને નિલેશ શાહે આ કમાલ કરી બતાવી છે. આવનારા વર્ષોમાં પાણીની અછત જો ભારતમાં સર્જાય તો વિકલ્પ રૂપે કેવી રીતે આ સમસ્યાને દૂર કરી શકાય આ વિચારથી આ ચારેય એન્જીનિયરો દ્વારા આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. 

ભારત મોટાભાગે દરિયાઈ કાંઠા વિસ્તારથી ઘેરાયેલો દેશ છે ત્યારે દરિયાના પાણીનો ઉપયોગ કેવી રીતે પાણીની અછતની સમસ્યાને દૂર કરવા માટે કરી શકાય તે ઉદ્દેશથી આ ચારેય એન્જીનિયરો દ્વારા સંપૂર્ણ રીતે સોલાર સિસ્ટમથી ચાલતો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ અંગે યશ તરવાડીએ જણાવ્યું હતું કે, અમે સમુદ્રના ખારા પાણીને મીઠા પાણીમાં રૂપાંતર કરે તેવો સોલાર થર્મલ ડી સેલીટાઇઝેશન પ્લાન્ટ બનાવ્યો છે. 

આ પ્લાન્ટની મદદથી દરિયાકાંઠાના કોઈપણ વિસ્તારમાં રહેતા લોકોને મળતા ખારા પાણીને રૂપાંતરિત કરી મીઠુ પાણી આપી શકાય છે. નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે ૨૦૩૦ સુધીમાં ભારતના ૪૦ ટકા લોકોને પાણી મળશે નહીં. વર્ષ ૨૦૪૦ સુધી સંપૂર્ણ ભારતમાં નદીનું પાણી પૂરુ થઈ જશે જેનું મુખ્ય કારણ કૂદકેને ભૂસકે વધતી વસતિનો છે. વિશ્વના અન્ય દેશોમાં હાલમાં જ પાણીની અછત સર્જાઈ છે. ખાસ કરીને દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં આ સ્થિતિ જોવા મળી છે. ત્યાં ડેમમાં પાણી નથી લોકોને આપવા માટે. આવી કટોકટી ભારતમાં ન સર્જાય એ હેતુસર આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. હાલ આ પ્રોડક્શન ૧૬ લિટર સુધીનું છે. જે આવનાર દિવસોમાં ૧૫૦૦ લિટર સુધી વધારવાની તૈયારી કરી લેવામાં આવી છે. હજીરાસ્થિત આ પાઇલટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જેથી દરિયા કાંઠે રહેતા લોકોને સસ્તા દરે મીઠુ પાણી મળી શકે અને મહિલાઓને દૂર સુધી પાણીના અછતને લઈ જવું ન પડે. સૌથી અગત્યની વાત આ છે કે ખારા પાણીને મીઠુ કરવા માટે જે પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે તે ભારતનો પહેલો પ્લાન્ટ છે જે સંપૂર્ણપણે સોલાર સિસ્ટમથી ચાલે છે. જેને વિજળીની જરૂરિયાત પડશે નહીં.

સોલાર પ્લાન્ટથી જે પાણી ખારામાંથી મીઠુ થાય છે તેને મિનરલાઈઝ કરવામાં આવે છે. આરઓ સિસ્ટમ જે ઘરમાં વાપરવામાં આવે છે તેમાં મિનરલ હોતા નથી . જે લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે લાભકારી પણ થતું નથી. આ સોલાર પ્લાન્ટમાંથી જે પણ પાણી મળશે તે મિનરલયુક્ત રહેશે. તેમાં કોપરની ગુણવત્તા મળશે જે સ્વાસ્થ્ય માટે સારી છે અને પાણીજન્ય રોગોથી પણ બચી શકાય છે. આ સ્ટાર્ટઅપને યુનાઇટેડ નેશન દ્વારા આયોજિત યુથ ક્લબ અને નીતિ આયોગ અને અટલ ઇનોવેશન મિશનમાં ટોપ ૧૨ ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. ખારા પાણીને કન્ટેનરમાં લેવામાં આવે છે. આ પ્લાન્ટમાં સોલાર કોન્સન્ટ્રેટર નામનું ડિવાઇસ છે. જે સોલારથી ચાલે છે આ ડિવાઇસ સૂર્યના કિરણોને સિંગલ વોકલ પર કેનિ્દ્રત કરે છે. જેનાથી ખારા પાણીમાંથી મીઠું અલગ થઈ જાય છે. મીઠું અને અન્ય પાર્ટ રીસીવરમાં રહી જાય છે. માત્ર સ્ટીમ આગળ વધે છે. સ્ટીમને હિટ એક્સચેન્જર નામના ડીવાઇસ દ્વારા વાયુમાંથી પ્રવાહી સ્વરૂપમાં લાવવમાં આવે છે. મહત્ત્વની વાત એ છે કે આ પાણી દરેક પ્રકારના મિનરલયુક્ત છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ગુણવત્તામાં ખરું ઉતર્યું છે.