શ્રીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલમાં જમ્મુ કાશ્મીરના ત્રણ દિવસીય પ્રવાસે છે. આ પ્રવાસના અંતિમ દિવસે ગૃહમંત્રી શાહે શ્રીનગરમાં સિનિયર અધિકારીઓ સાથે સુરક્ષાને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા ઉપરાંત સિનિયર અધિકારી મુખ્ય રીતે હાજર રહ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે માતા વૈષ્ણો દેવીમાં દર્શન કરીને આશીર્વાદ લીધા હતા અને ત્યાર બાદ રાજૌરીમાં એક મોટી જાહેર સભાને સંબોધન પણ કર્યું હતું. શાહે જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦ અને ૩૫ એ હટાવ્યા બાદ આતંકી ઘટનાઓમાં ઘટાડો અને રોજગારના સાધન તથા પર્યટન વધારવાની વાત પણ કહી હતી. તેમણે તેને લઈને આંકડા પણ બતાવ્યા હતા. આ તમામની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરના ચાર પોલીસકર્મીઓના સંબંધીઓને નિમણૂંક પત્ર સોંપ્યા, જે ઘાટીમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓમાં શહીદ થયા હતા.