સુપ્રીમ કોર્ટ કહે છેઃ અસંમતિ એ લોકતંત્ર માટેનો સેફટી વાલ્વ છે…

0
956

પોલીસ દ્વારા ગઈકાલે જેમની ધરપકડ કરવામાં આવી હતી તે પાંચ સામાજિક કાર્યકરોને આજે સુપ્રીમ કોર્ટે માત્ર નજરકેદમાં રાખવાનું ફરમાન કર્યું હતું. ઉપરોકત આરોપી કાર્યકર્તાઓ માઓવાદી ગતિવિધિમાં સંકળાયેલા હોવાનો આરોપ મૂકીને આતંકવાદી નિરોધક કાયદાની અંતર્ગત, તેમની ધરપકડ કરી હતી. છતાં સુપ્રીમ કોર્ટે  એ અંગે નુકતેચીની કરતાં કહ્યું હતું કે, અસંમતિ એ તો લોકતંત્ર માટેનો સેફટી વાલ્વ છે…

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો  હતો કે, માઓવાદી વિચારક વરવરા રાવ, ચળવળકાર સુધા ભારદ્વાજ, અરુણ ફરેરા, ગૌતમ નવલખા અને વેરનોન ગોન્જાલ્વીસને  6 સપ્ટેમ્બરના થનારી સુનાવણી સુધી નજરબંધ રાખવામાં આવશે. ઉપરોક્ત આદેશ આપતી વેળાએ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ જજની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે, અસંમતિ એ તો લોકશાહી- લોકતંત્ર માટેનો સેફટી વાલ્વ છે. જો તમે સેફટી વાલ્વ નહિ રાખો તો પ્રેશર કુકર ફાટી જશે..સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને તાકીદ કરી હતી કે, ઉપરોકત વ્યક્તિઓની ધરપકડને પડકારતી પિટિ્શન અંગે તેઓ પોતાને પક્ષ રજૂ કરતો જવાબ કોર્ટ સમક્ષ દાખલ કરે. પૂણેના પોલીસતંત્રે એવો દાવો પેશ કર્યો હતો કે, આ પાંચે આરોપીએ એક ષડયંત્ર રચી રહયા હતા. તેઓ 35 કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને તેમને કાવતરામાં સામેલ કરવાનું આયોજન કરી રહયા હતા. જો આરોપી કોઈ પણ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિ  સાથે સંકળાયેલો હોય કે એવી પ્રવૃત્તિમાં મદદ કરી રહયો હોય, અગર કોઈ પણ પ્રકારની ગેરકાનૂની કામગીરીમાં સામેલ હોય તો આતંકવાદ નિરોધક કાયદાની અંતર્ગત,. તેની વોરન્ટ વિના પણ ધરપકડ કરી શકાય છે.