સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને ૪ માસની સજા અને બે હજારનો દંડ ફટકર્યો

 

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના અનાદર મામલે વિજય માલ્યાને કોર્ટે ૪ મહિનાની સજા ફટકારી છે. કોર્ટે માલ્યાને ૨૦૦૦ રૂપિયાનો દંડ પણ કર્યો છે. દંડ ન ચૂકવે તો વધુ ૨ મહિનાની સજા માલ્યાએ ભોગવવી પડશે. એટલું જ નહિ કોર્ટે વિજય માલ્યાને વિદેશમાં ટ્રાન્સફર કરાયેલા ૪૦ મિલિયન ડોલર પણ ૪ અઠવાડિયામાં ચૂકવવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ યુ. યુ. લલિત, જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ સુધાંશુ ધૂલિયાની ૩ સભ્યોવાળી બેન્ચે આ ચુકાદો આપ્યો. વાત એમ હતી કે ભારતીય સ્ટેટ બેંકે વિજય માલ્યા વિરૂદ્ધ કોર્ટનો આદેશ છતાં બાકી રકમની ચૂકવણી ન કરી હોવા બદલ અરજી કરી હતી. કોર્ટે ૧૦ માર્ચના રોજ માલ્યાની સજા પર ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે ૫ વર્ષ પહેલા ૯મી મે ૨૦૧૭ના રોજ વિજય માલ્યાને કોર્ટના આદેશનો અનાદર કરવા મામલે દોષિત ઠેરવતા તેમના વિરૂદ્ધ અનાદરની કાર્યવાહી શરૂ કરી હતી. વિજય માલ્યાએ પોતાની સંપત્તિની પૂરી વિગતો જેમની પાસેથી અબજો રૂપિયાની લોન લીધી હતી તે બેંકો અને સંબંધિત ઓથોરિટીને આપી નહતી. આ મામલે બેંકો અને ઓથોરિટીઝનો પક્ષ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે ૧૦ જુલાઈ ૨૦૧૭ના રોજ આદેશ આપ્યો કે વિજય માલ્યા સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રાખવા રજુ થાય. કોર્ટે કહ્યું હતું કે માલ્યા બ્રિટનમાં એક આઝાદ વ્યક્તિની જેમ રહે છે, પરંતુ ત્યાં તે શું કરી રહ્યો છે તે અંગે કોઈ જાણકારી સામે આવી રહી નથી.