સુપ્રીમ કોર્ટે મહિલાઓના અધિકાર અંગે મહત્વનો ચુકાદો આપ્યો : પિતાની સંપત્તિમાં પુત્ર અને પુત્રીનો સમાન અધિકાર છે….

0
831

 

           તાજેતરમાં એક મહત્વના કેસનો ચુકાદો આપતાં દેશની સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, પિતાની સંપત્તિમાં પુત્ર અને પુત્રીનો સમાન અધિકાર છે. નામદાર અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, પુત્રી જન્મની સાથે જ પિતાની સંપત્તિમાં સમાન હકદાર બની જાય છે. સર્વોચ્ચ અદાલતની ત્રણ  ન્યાયાધીશોની ખંડપીઠે કહ્યું હતું કે, પિતાની સંપત્તિ વિષયક હિન્દુ ઉત્તરાધિકાર કાયદો  2005માં લાગુ કરવામાં આવ્યો હતો. પિતાનું અગાઉ મૃત્યુ થઈ ગયું હોય તો પણ પિતાની સંપત્તિમાં પુત્ર કે પુત્રીનો બરાબરનો અધિકાર રહેશે. સુપ્રીમ કોર્ટમાં એક મહત્વના કેસનો ચુકાદો આપતી વેળાએ પુત્રીને પૈતૃક સંપત્તિમાં વારસદાર ગણવામાં આવી હતી. જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યું હતું કે, પુત્રી હંમેશા પુત્રી જ રહે છે, જ્યારે પુત્ર બસ લગ્ન સુધી જ પુત્ર જ રહે છે. 2005માં કાયદાકીય સંશોધન કરવામાં આવ્યું , તેની અગાઉ પણ જો કોઈ પુત્રીના પિતાનું મૃત્યુ થઈ ગયું હોય તો પણ એ પિતાની મિલકતમાં બરાબરની હકદાર ગણવામાં આવશે. ગત 2005માં ભારતની સંસદે અવિભાજ્ય હિન્દુ પરિવારના ઉત્તરાધિકાર અધિનિયમમાં સંશોધન કર્યું હતું. નામદાર જસ્ટિસે જણાવ્યું હતું કે, વન્સ અ ડોટર, ઓલ્વેઝ અ ડોટર …હિન્દુ કાયદા અનુસાર, મિલકત બે પ્રકારની હોય છે. એક તો પિતા દ્વારા ખરીદાયેલી અને બીજી વારસાગત મળેલી પૈતૃક સંપત્તિ. પોતાને વારસાગત મળેલી સંપત્તિ પિતા પોતાની મરજી થી કોઈ એકને ના આપી શકે, એ પૈતૃક સંપત્તિમાં પુત્ર- પુત્રીના સમાન અધિકારો હોય છે. જો પિતાએ પોતે મિલકત ખરીદી હોય તો એવી મિલકત પર પુત્રીનો અધિકાર  કમજોર હોય છે.