સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ  તેમજ મહારાષ્ટ્ર સરકાર વતી કરવામાં આવેલી પિટિશન ફગાવી દીધી…

 

 મહારાષ્ટ્રનું રાજકારણ હવે ચર્ચાના ચકડોળે ચઢયું છે. ભ્રષ્ટાચાર, પરસ્પર વેર અને બદલો લેવાની ભાવના, અદાવત, સરકારના માધ્યોમોને દુરુપયોગ – અને હવે તો રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખ તેમજ મુંબઈના પોલીસ કમિશનર પરમવીર સિંહ – રાજ્યના બે ઉચ્ચકોટિના અધિકારીના નામ કૌભાંડમાં સંડોવાયા છે. પોલીસ કમિશનર પરમવીર સિંહે એન્ટાલિયા પ્રકરણમાં સંડોવાયેલા આસિ. પોલીસ ઈન્સ્પેકટર સચિન વઝેની   ગુનાહિ્ત ભૂમિકા બાબત પણ ખુલાસા કર્યા છે. મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે સચિન વઝેને કહ્યું હતું કે, તે દર મહિને મુંબઈના બાર અને રેસ્ટોરન્ટવાળાઓ પાસેથી 100 કરોડ રૂપિયાની વસૂલી કરે. આવો આક્ષેપ ખુદ પોલીસ કમિશનર પરમવીર સિંહે કર્યો હતો. તેમણે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનને પત્ર લખીને આ જાણકારી આપી હતી. ત્યારબાદ તેમની બદલી કરી નાખવામાં આવી હતી. તેમણે 100 કરોડની વસૂલીના આક્ષેપોની તપાસ માટે હાઈકોર્ટને અપીલ કરી હતી કે, સીબીઆઈને આખા પ્રકરણની તપાસ સોંપવામાં આવે. આથી આ તપાસ હાઈકોર્ટે સીબીઆઈને સોંપવાનો આદેશ કર્યો હતો. એ નિર્ણયને પડકારતી અરજીઓ મહારાષ્ટ્ર સરકાર અને ગૃહમંત્રી અનિલ દેશમુખે સુપ્રીમ કોર્ટને કરી હતી. જેની સુનાવણી કરતાંજ સર્વોચ્ચ અદાલતે આ અરજીઓ રદ કરી નાખી હતી. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે દેશમુખ પર 100 કરોડની વસૂલીનું ટારગેટ આપવાનો આક્ષેપ કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજય કિશન કૌલ અને હેમંત ગુર્તાની ખંડપીઠે ઉપરોક્ત અરજીની સુનાવણી કરી હતી. અનિલ દેશમુખ તરફથી જાણીતા કોંગ્રસી નેતા અને વકીલ કપિલ સિબ્બલે અને મહારાષ્ટ્ર સરકાર તરફથી અભિષેક મનુ સિંઘવીએ કેસની રજૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, બે મોટા પદ ધરાવનારી વ્યક્તિઓ પર આક્ષેપ કરવામાં આવ્યા છે. મુંબઈના પોલીસ કમિશનરે રાજ્યના ગૃહપ્રધાન પર આક્ષેપ કર્યા છે. આથી આ મામલાની નિષ્પક્ષ તપાસ થાય એ જરૂરી છે. એ માટે સીબીઆઈ યોગ્ય છે. પોલીસતંત્ર દ્વારા એ નિષ્પક્ષ તપાસ ન થઈ શકે. મુંબઈ હાઈકોર્ટે જયારે સીબીઆઈને તપાસ સોંપવાનો આદેશ કર્યો ત્યારે કહ્યું હતું કે, નાગરિકોના મૂળભૂત અધિકારો ની સુરક્ષા તેમજ જનતાના મનમાં વિશ્વાસ અને સલામતીની ભાવના પેદા કરવા માટે સીબીઆઈ જેવી સ્વતંત્ર તપાસ એજન્સીને જ આ મામલો સોંપવામાં આવે એ જરૂરી છે. હાઈકોર્ટે આપેલા આદેશને સુપ્રીમકોર્ટે યથાવત જ રાખ્યો હતો.