સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તાકીદ કરી કે, એક્ટિંગ ડીજીપી ( પોલીસ વડા)ના પદ માટે કોઈની નિમણુક ન કરે…

0
857

દેશની સર્વોચ્ચ અદાલતે આજે તમામ રાજયોને અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો હતો કે, તેઓ રાજયના કાર્યકારી પોલીસ વડા તરીકે કોઈની નિયુક્તિ ન કરે. અદાલતે વધુમાં જણાવ્યું હતું કે, વર્તમાન પોલીસ વડાના કાર્યકાળને પૂરો થવાને 3 મહિના બાકી રહ્યા હોય ત્યારે અર્થાત તેમની સેવા- નિવૃત્તિના 3 મહિના પહેલા રાજય સરકારનું સંબંધિત વહીવટીતંત્ર યુપીએસસીનો સંપર્ક કરીને પોલીસ વડાની નિયુક્તિ અંગે વિચાર- વિમર્શ કરશે. ત્યારબાદ યુપીએસસી ડીજીપીના પદ માટે રાજ્ય સરકાર દ્વારા સૂચવવામાં આવેલાં નામોમાંથી ત્રણ નામને પસંદ કરશે, જેમાંથી કોઈ એક વ્યક્તિના નામની રાજ્યસરકાર દ્વારા પસંદગી કરવામાં આવશે, મતલબ કે એ વ્યક્તિની રાજ્યના પોલીસ વડા તરીકે નિમણુક કરવામાં આ્રવશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ એમ ખાનિલકર અને જસ્ટિસ એન વાય ચંદ્રચુડની બેન્ચે પોલીસતંત્રમાં સુધારાઓ બાબત ગાઈડલાઈન- દિશા નિર્દેશ જારી કરતાં  ઉપરોક્ત વ્યવસ્થાની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા એ સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી કે, જયારે ડીજીપીની નિમણુક કરવામાં આવે ત્યારથી તેમનો કાર્યકાળની અવધિ ઓછામાં ઓછી બેવરસ સુધીની રહેશે. જેમની સેવા- નિવૃત્તિનો સમય અગાઉથી જ નિર્ધારિત હોય તેમને પણ આ જ વ્યવસ્થા લાગુ પડશે.