સુપ્રીમ કોર્ટે એક કેસમાં પતિને તાકીદ કરી કે, એ તેની પત્ની સાથે માનપૂર્વક વર્તાવ કરે, એનું સન્માન જાળવે, એમ કરવામાં જો એ નિષ્ફળ જશે તો પછી એને જેલની સજા ભોગવવા તૈયાર રહેવું પડશે..

 

 સુપ્રીમ કોર્ટમાં રજૂ થયેલા એક કેસમાં પત્નીએ અદાલત સમક્ષ ફરિયાદ કરી હતી કે, તેનો પતિ તેની સાથે અયોગ્ય વ્યવહાર કરે છે, તેની સાથે મારઝૂડ કરે છે, એની સાથે માનભર્યો વ્યવહાર નથી કરતો. આથી એને થયેલી જેલની સજાની અવધિ વધારવામાં આવે. પત્નીએ કરેલી અરજીની સુનાવણી કરતાં જસ્ટિસ રમનાએ (જેઓ ખુદ આંધ્રપ્રદેશના વતની છે અને તેલુગુ ભાષા જાણે છે) તેલુગુ ભાષામાં વાત કરીને મહિલાને સમજાવી હતી કે, પતિને જેલની સજામાં વધારો કરવાથી સમસ્યાનો ઉકેલ નહિ આવે. દહેજની માગણી કરીને પોતાને હેરાન કરનારા પતિને જેલમાં રાખવાથી પતિ- પત્ની – બન્નેનું જીવન વેર-વિખેર થઈ જશે.અદાલતે પતિને ફરમાન કર્યું હતું કે, તે તેની પત્ની સાથે સન્માનભર્યો વ્યવહાર કરે. જો પતિ અયોગ્ય વ્યવહાર કરશે તો અદાલત એને ફરી જેલની સજા કરશે. આવી સમજાવટ કરીને તેમને પતિ સામે કરેલી ફરિયાદ પરત લેવાની સલાહ આપી હતી.મહિલાના પતિએ અદાલતને જણાવ્યું હતું કે, હવેથી એ પત્ની સાથે ખરાબ વ્યવહાર નહિ કરે, એને માન આપશે અને એની સાથે સારો વર્તાવ કરશે. અદાલતે સખત તાકીદ કરીને જણાવ્યું હતું કે, જો ભવિષ્યમાં પત્ની તરફથી કોઈ ફરિયાદ કરાશે કે એનો પતિ એની સાથે ખરાબ વર્તાવ કરે છે,એને ત્રાસ આપે છે- તો ત્યારે અદાલત પતિને સજા કરતાં અ્ચકાશે નહિ, એને ફરી જેલ ભેગો કરી દેશે. 

 આમ બન્ને પક્ષોની દલીલો અને વાત સાંભળીને અદાલતે પરસ્પર સુલેહ કરવાનું સૂચન કર્યું હતું. જેના પરિણામે પતિ પત્ની બન્ને એકમેક સામે કરેલા કેસ પાછા લેવા સંમત થયા હતા અને શાંતિથી સાથે રહીને જીવન ગાળવા સંમત થયા હતા. 

  સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના આવા સમજણ ભર્યા અને માનવતાવાદી વ્યહવારને કારણે એક દંપતીનું ગૃહસ્થ જીવન પુન સીધા માર્ગે આવ્યું હતું. અદાલત માનવીય જીવન ને અને માનવીય સંવેદનાને જાણીને કેવો ઉમદા ચુકાદો આપે છે એનું આ એક ઉદાહરણ છે. આપણું ન્યાયતંત્ર સાચા  અર્થમાં સમાજને મદદરૂપ થાય છે અને યોગ્ય માર્ગદર્શન પણ આપે છે.