સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનની ધરપકડને ગેરકાયદે ઠેરવીઃ તાત્કાલિક મુક્તિનો આદેશ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને તેમની ધરપકડના બે દિવસ બાદ જ સુપ્રીમ કોર્ટે મુકત કરી દીધા છે. ખાનની ધરપકડને ગેરકાયદેસર ગણાવતા, મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે ગુરુવારે નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરોને ઇમરાન ખાનને મુકત કરવા જણાવ્યું હતું. આ પહેલા ખાનની પાર્ટી પીટીઆઇએ ધરપકડને ગેરકાયદે ગણાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. બીજી તરફ, સરકારના પ્રવકતા મરિયમ ઔરંગઝેબે કહ્યું ,વહાલસોયાની ધરપકડથી ન્યાય આપનારાઓ પરેશાન છે. પ્રવકતા મરિયમ ઔરંગઝેબે ઇમરાન ખાનની મુક્તિને લઇને સુપ્રીમ કોર્ટ પર સવાલો ઉઠાવ્યા છે. મરિયમે ટ્વિટ કર્યુ કે સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનના રૂ. ૬૦ અબજના કૌભાંડ અંગે સવાલ કેમ ન કર્યો. આ માણસના કારણે બે દિવસમાં આખો દેશ સળગ્યો. અગાઉ પોલીસ અને રેન્જર્સ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટ મૌન કેમ હતી? ઇમરાનખાને કોર્ટને જણાવ્યું કે રિમાન્ડમાં તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. મારી ધરપકડ એવી રીતે કરવામાં આવી કે જાણે હું આતંકવાદી હોઉં. મને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. ૧૪૫થી વધુ નકલી કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ઇમરામખાને કોર્ટને કહ્યું કે તેમને ઘરે જવાની મંજૂરી આપવામાં આવે. તેના પર કોર્ટે કહ્યું કે તમારા જીવને ખતરો છે. તમને ત્રણ બેડ રૂમના પોલીસ લાઇન્સ ગેસ્ટહાઉસમાં રાખવામાં આવશે. તમે ૧૦થી વધુ લોકોને મળી શકતા નથી. સુપ્રીમ કોર્ટે ઇમરાનને કહ્યું કે તમારી ધરપકડ બાદ દેશમાં જે હિંસા થઇ છે તેની તમારે નિંદા કરવી પડશે.