સુપ્રીમ કોર્ટમાં નાગરિકતા સુધારા ખરડાને પડકારતી અરજી રજૂ થઈ

0
912

નવી દિલ્હીઃ સંસદનાં બંને ગૃહોમાં પસાર થઈ ગયેલા નાગરિકતા સુધારા ખરડાને પડકારતી એક અરજી ગુરુવારે સવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. બુધવારે સાંજે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે કરેલી જાહેરાત મુજબ ગુરુવારે સવારે લીગ તરફથી આ અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીનો મુખ્ય મુદ્દો એ હતો કે આ ખરડામાં ધાર્મિક ભેદભાવ કરાયા છે એટલે એ ભારતના બંધારણની ધર્મનિરપેક્ષતાની કલમના ભંગ સમાન હોવાથી ખરડાને રદ કરવો જોઈએ. આ ખરડામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા તમામ બિનમુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. આવા શરણાર્થીઓમાં હિન્દુ, શીખ, ઇસાઈ, જૈન, પારસી અને બૌદ્ધોનો સમાવેશ થાય છે.
લોકસભા અને રાજ્યસભા બંનેમાં મુસ્લિમોને આ ખરડામાં બાકાત રાખવા સામે હોબાળો થયો હતો. કોંગ્રેસના તેમજ સમાજવાદી પક્ષના નેતાઓએ આ ખરડાને ભેદભાવ ભરેલો જણાવતાં ભાષણો કર્યાં હતાં, પરંતુ અમિત શાહે એ દરેકની વાતને કાપી નાખતી દલીલો કરી હતી. શાહે કહ્યું હતું કે પાકિસ્તાની અને બાંગ્લાદેશી મુસ્લિમોને ભારતીય નાગરિકતા કેવી રીતે આપી શકાય? જોકે શ્રીલંકાના તમિળ હિન્દુ અને ઇસાઈ લોકોનો સમાવેશ આ ખરડામાં કેમ નથી એવા સવાલનો જવાબ તેઓ ખાઈ ગયા હતા.