સુપ્રીમ કોર્ટમાં નવા ન્યાયાધીશોની નિમણૂંક પ્રસંગે સન્માન સમારોહ યોજાયો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં બે નવા ન્યાયાધીશોની નિમણૂંક પ્રસંગે બાર કાઉન્સિલે એક સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં CJI DY ચંદ્રચુડની શૈલીમાં થોડો બદલાવ જોવા મળ્યો હતો.
કોલેજિયમ સિસ્ટમની ભલામણ બાદ છત્તીસગઢ હાઈકોર્ટના જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને વરિષ્ઠ એડવોકેટ કલ્પતી વેંકટરામન વિશ્વનાથનને સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે બઢતી આપવામાં આવી છે.
CJI ચંદ્રચુડે કહ્યું કે, ભલામણના 72 કલાકની અંદર સુપ્રીમ કોર્ટના જજ તરીકે બંનેની નિમણૂંક દર્શાવે છે કે કોલેજિયમ વાઇબ્રન્ટ, સક્રિય અને તેના કામ પ્રત્યે સમર્પિત છે. અમે સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશો સાથે ચર્ચા કર્યા પછી જ પસંદ કર્યા છે. આપણે સરકારનો પણ આભાર માનવો જોઈએ, જેણે પ્રક્રિયા પૂર્ણ કરવામાં 72 કલાકથી ઓછો સમય લીધો.
મે મહિનામાં, CJIએ બંને જજોને પદના શપથ લેવડાવ્યા હતા, ત્યારબાદ જજ પેનલમાં 34 જજોનો કોરમ પૂરો થયો હતો. CJIએ કહ્યું જસ્ટિસ મિશ્રાનું જીવન ખૂબ જ સાદા પરિવારથી શરૂ થયું હતું. આ દર્શાવે છે કે સુપ્રીમ કોર્ટમાં આવતા જજો ભારતીય સમાજ સાથે ઊંડે સુધી જોડાયેલા છે. જસ્ટિસ વિશ્વનાથન વિશે કહ્યું કે તેઓ બારના યુવા સભ્યો માટે રોલ મોડેલ અને માર્ગદર્શક રહ્યા છે. તેમણે યુવા વકીલોની ટીમ બનાવવામાં યોગદાન આપ્યું છે.
આ પ્રસંગે બાર કાઉન્સિલના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં વકીલો અને સરકારી કર્મચારીઓ ઉપિસ્થત રહી સન્માન સમારોહના સહભાગી બન્યા હતા.