સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલઃ સીબીઆઈના વરિષ્ઠ અધિકારી આલોક વર્માને રાતોરાત તેમના સ્થાન પરથી કેમ હટાવી દેવામાં આવ્યા ?

0
897

કેન્દ્રીય તપાસ એજન્સી(સીબીઆઈ ) ના બે સૌથી  સિનિયર અધિકારીઓ આલોક વર્મા અને રાકેશ અસ્થાનાની વચ્ચે ચાલી રહેલી લડાઈને કારણે વાત ઠેઠ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઈ. આ અંગે સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે, 6 ડિસેમ્બરના સુનાવણી પણ થઈ, આ મામલાની સુનાવણી દરમિયાન અદાલતે પૂછ્યું હતું કે, આ મામલામાં સરકાર નિષ્પક્ષ( તટસ્થ) કેમ લાગતી નથી ? આલોક વર્માને તેમના પદ પરથી તાત્કાલિક દૂર કરતાં પહેલાં સિલેકશન કમિટી સાથે ચર્ચા- વિચારણા કે સલાહ કેમ ના લેવામાં આવી…સિલેકશન કમિટીની સલાહ લેવામાં શું ખોટું હતું…

આલોક વર્મા વતી  સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, સીબીઆઈમાં એક નિર્દેશક – ડિરેકટર મોજૂદ હોય ત્યારે કાર્યકારી નિર્દેશકની નિયુક્તિ ના થઈ શકે. ઉદાહરણ તરીકે, જો અદાલતમાં મુખ્ય ન્યાયાધીશની પદવી પર કોઈ કામગીરી બજાવતું હોય ત્યારે બીજા કોઈને કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ  તરીકે નિયુક્ત ના કરી શકાય. ઉપરોક્ત મામલાની સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વ હેઠળની બેન્ચ સમક્ષ સુનાવણી કરવામાં આવી રહી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, સીબીઆઈના બે વરિષ્ઠ અધિકારીઓ વચ્ચેની લડાઈ કંઈ એક રાતના સમયગાળામાં જ શરૂ નથી થઈ…સરકારે પસંદગી સમિતિ સાથે પરામર્શ કર્યા સિવાય આ નિર્ણય કેવી રીતે લીધો….ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈએ જણાવ્યું હતું કે, આટલી ઉતાવળ કેમ કરવામાં આવી …તેમણે સોલીસીટર જનરલ તુષાર મહેતાને પૂછયું હતું કે, સરકારને 23 ઓકટોબરે સીબીઆઈના વડા નિર્દેશક આલોક વર્મા પાસેથી તેમની તમામ સત્તા છિનવી લેવાનો રાતોરાત નિર્ણય કેમ લેવામાં આવ્યો… એ માટે કોણે પ્રેરિત કર્યા…જયારે સીબીઆઈના ડિરેકટર આલોક વર્મા થોડાક મહિનાઓ બાદ તેમના હોદાં પરથી નિવૃત્ત થવાના જ હતા ત્યારે આટલી બિનજરૂરી ઉતાવળ કોના કહેવાથી કરાઈ …સરકારે થોડાક મહિના રાહ કેમ ના જોવામાં  આવી…

તેમણે કહ્યું હતું કે, આલોક વર્માનો બે વરસનો કાર્યકાળ 31મી જાન્યુઆરી, 2019ના પૂરો થઈ રહ્યો હતો. માત્ર થોડાક મહિનાઓની જ વાર હતી. ત્યારબાદ આલોક વર્મા નિવૃત્ત થવાના હતા.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના સવાલનો જવાબ આપતાં સોલીસીટર જનરલ તુષાર મહેતાએ  કહ્યું હતું કે, સીબીઆઈનો ડિરેકટર અખિલ ભારતીય સેવાનો સભ્ય હોય છે. માનો કે કોઈ ઓફિસર લાંચ લેતાં કેમેરામાં પકડાઈ ગયો અને તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો હોય ત્યારે આવી પરિસ્થિતિમાં એને સસ્પેન્ડ કરવાનો અધિકાર માત્ર સરકાર પાસે જ હોય છે.

સીબીઆઇના નવા ડિરેકટર આલોક વર્માને તેમના હોદાં પરથી હટાવીને ફરજિયાત રજા પર મોકલવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારના આ નિર્ણયનો આલોક વર્માએ વિરોધ કર્યો હતો અને સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.