સુપ્રીમ કોર્ટનોઆદેશઃ સીબીઆઈ, એનઆઈએ, એનસીબી, ઈડી , જેવી સંસ્થાઓની ઓફિસોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે…

 

 તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આપેલા એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે, સીબીઆઈ, એનઆઈએ, ઈડી, એનસીબી – નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો, ડીઆરઆઈ, એસએફ આઈઓ જેવી સંસ્થાઓ તેમના કાર્યાલયોમાં ઓડિયો રેકોર્ડિંગની સાથે સાથે હવેથી સીસીટીવી કેમેરા પણ લગાવવાનું શરૂ કરી દે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોના પોલીસ સ્ટેશનોમાં પણ ઓડિયો રેકોર્ડીંંગની સાથે સીસી ટીવી કેમેરા લગાવવાનો આદેશ કર્યો છે. આ કેમેરા પોલીસ સ્ટેશનના એન્ટ્રી ગેટ, લોકઅપ, કોરિડોર, લોબી ,રિસેપ્શન એરિયા, સબ ઈન્સ્પેકટર અને ઈન્સ્પેકટરના રુમમાં, પોલીસ સ્ટેશનની બહાર, તેમજ વોશરૂમમાં પણ લગાવવાનો હુકમ કર્યો છે. વિડિયો રેકોર્ડીંગને 18 મહિના સુધી સાચવી રાખવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રોહિંંગ્ટન એફ નરીમાન, જસ્ટિસ કે એમ જોસેફ અને જસ્ટિસ અનિરુધ્ધ બોઝની એક બેન્ચે 45 દિવસથી પણ વધારે સમય સીસીટીવી ફુટેજ જાળવી રાખવા અને એકત્રિત કરવાના સવાલ પરનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.