સુપ્રીમ કોર્ટના 45મા વડા ન્યાયાધીશ દીપક મિશ્રાની વિરુધ્ધ કોંગ્રેસ સહિત સાત વિરોધ પક્ષો મહા અભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યા છે..

0
937

 

ભારતની લોકશાહીની ઈમારતનું  જે ચાર સ્તંભો પર નિર્માણ થયું છે અને જેની મજબૂતાઈને લીધે ભારતમાં લોકતંત્રનું શાસન આઝાદીના 70 વરસો સુધી ટકી રહ્યું છે તે ચાર મુખ્ય સ્તંભો છે- ભારતનું કોન્સ્ટીટયૂશન- બંધારણ, સંસદ ( લોકસભા અને રાજ્યસભા), આપણું ન્યાયતંત્ર અને મિડિયા- અખબારોનું સ્વાતંત્ર્ય. ભારતના ન્યાયતંત્રમાં લોકોને અડગ શ્રદ્ધા છે. હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે દેશની સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિ – ચીફ જસ્ટિસની કામગીરી પ્રત્યે શંકા અને અવિશ્વાસની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા જે રીતે અદાલતની કાર્યવાહી સંભાળી રહ્યા છે તે પક્ષપાતપૂર્ણ હોવાના આક્ષેપો કોંગ્રસ સહિત સાત વિપક્ષો કરી રહયા છે..આથી તેઓ ચીફ જસ્ટિસ વિરુધ્ધ સંસદમાં મહા અભિયોગનો પ્રસ્તાવ લાવીને તેમને હોદા પરથી હટાવવા માગે છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા આ વરસના ઓકટોબરમાં પોતાનો કાર્યકાળ પૂરો કરીને નિવૃત્ત થવાના છે, પણ એ અગાઉ તેમને પદ પરથી દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.આ મહા અભિયોગ પ્રસ્તાવ લાવનારા સાત વિપક્ષોમાં કોંગ્રસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ, માકર્સવાદી સામ્યવાદી પક્ષ,ભારતીય સામ્યવાદી પક્ષ( જમણેરી ) , સમાજવાદી પક્ષ, બહુજન સમાજવાદી પક્ષ અને મુસ્લિમ લીગનો સમાવેશ થાય છે. ઉપરોક્ત રાજકીય પક્ષોના આગેવાનોએ 64 સંસદસભ્યોની સહીઓ કરેલી નોટિસ (આ  પ્રસ્તાવ સંસદમાં પેશ કરવા માટે ) શુક્રવારે 20મી એપ્રિલે રાજયસભાના અધ્યક્ષ અને ઉપ-રાષ્ટ્રપતિ એમ. વેંકૈંયા નાયડૂને સોંપી હતી. આ નોટિસમાં તેઓઓ એવો આરોપ મૂક્યો છે કે, ચીફ જસ્ટિસે પોતાના હોદા્નો દુરુપયોગ કર્યો છે. વિપક્ષોની આ નોટિસને જો મંજૂરી મળે અને વિપક્ષો સંસદમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં સફલતા મેળવે તો ભારતના ઈતિહાસમાં આ સૌપ્રથમ ઘટના બનશે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનેે પદભ્રષ્ટ કરવા માટે સંસદસભ્યો દ્વારા મહા અભિયોગ – ઈમ્પીચમેન્ટનો ઠરાવ કરવામાં આવ્યો હોય ! રાજયસભાના સભાપતિને સોંપવામાં આવેલી નોટિસમાં ચીફ જસ્ટિસ સામે પાંચ આરોપ મૂકવામાં આવ્યા હતા. જાહેરમાં થઈ રહેલી આ પ્રકારની ચર્ચા અને મિડિયામાં થઈ રહેલા શોરબકોરને સુપ્રીમકોર્ટ દ્વારા દુર્ભાગ્યપૂર્ણ ગણાવવામાં આવ્યો હતો. ઉપરોક્ત નોટિસ પર હસ્તાક્ષર કરનારા સાંસદોમાં ભૂતપૂર્વ સંસદસભ્યો પણ સામેલ છે. જોકે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે સહી ન કરી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

    રાઝયસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે,રાજયસભાના સભાપતિ નોટિસ પર 50 સંસદસભ્યોની સહી હોય તો પણ એ અંગે નિર્ણય કરી શકે છે. અમે કુલ 71 સાંસદોની સહીવાળી નોટિસ પાઠવી છે, પણ એમાંથી 7 સભ્યોનો કાર્યકાળ સમાપ્ત થયો હોવાથી અધિકૃત રીતે 64 સંસદસભ્યો દ્વારા સહી કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષના માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે, અગર રાજ્યસભામાં મહા અભિયોગ પ્રસ્તાવ નામંજૂર કરવામાં આવશે તો અમારો પક્ષ સુપ્રીમ કોર્ટમાં જઈને ન્યાય મેળવશે.

 આ અંગે આયોજિત કરવામાં આવેલી પત્રકાર પરિષદમાં ઉપસ્થિત કોંગ્રેસના અગ્રણી નેતા કપિલ સિબ્બલે કહ્યું હતું કે, ન્યાય તંત્ર પાસેથી ભારતની જનતા ઉચ્ચ સ્તરની ઈમાનદારીની અપેક્ષા રાખે છે. સુપ્રીમ કોર્ટના જજ વચ્ચે આંતરિક કલહ છે. આ  અગાઉ સુપ્રીમ કોર્ટના ચાર સીનિયાર જજોએ પ્રેસ કોન્ફરન્સ યોજીને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની કામ કરવાની પધ્ધતિ બાબત સવાલો ઊભા કર્યા હતા. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો ખુદ એવું કહી રહે્યા છે કે ન્યાયતંત્રની આઝાદી ભયમાં મૂકાઈ છે.  આવી હાલત હોય ત્યારે શું દેશના લોકોએ કશું ન કરવું જોઈએ?

 જો સંસદમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સામે મહા અભિયોગને પ્રસ્તાવની  મંજૂરી માટે ઓછામાં ઓછા રાજ્યસભાના 50 અને લોકસભાના 100 સભ્યોની સહીઓ હોવી જરૂરી છે. જો રાજ્યસભાના સભાપતિને લાગે કે આ પ્રસ્તાવ રજૂ કરવા યોગ્ય છે તો તેઓ એ બાબતની ચર્ચા- વિચારણા કરવા માટે એક કમિટીની રચના કરે છે. આ કમિટીમાં ત્રણ સભ્યો હોય છે- સુપ્રીમ કોર્ટના એક ન્યાયાધીશ, હાઈકોર્ટના એક ન્યાયાધીશ અને એક પીઢ કાનૂનવિદ્. જો આ કમિટીને આરોપો તથ્યપૂર્ણ લાગેતો સંસદમાં કમિટીએ તૈયાર કરલા અહેવાલની ચર્ચા કરવામાં આવે છે. ચર્ચા બાદ એ અંગે મતદાન પણ કરવામાં આવે છે. ચર્ચા દરમિયાન જેના પર આરોપ મૂકવામાં આવ્યા છે તે ન્યાયાધીશે ખુદ સંસદમાં હાજર રહેવું પડે છે  યા તો એમનો પ્રતિનિધિ હાજર રહે છે. આ મહા અભિયોગ પ્રસ્તાવ સંસદમાં પસાર કરવા માટે બે તૃતીયાંશ સંસદસભ્યોની સહમતિ હોવી અનિવાર્ય છે. જો સંસદના બન્ને ગૃહો- લોકસભા અને રાજ્યસભામાં આ પ્રસ્તાવ પસાર થઈ જાય તો એને છેવટની મંજૂરી માટે રાષ્ટ્રપતિજી પાસે મોકલવામાં આવે છે. જો રાષ્ટ્રપતિ ન્યાયાધીશને એના પદ પરથી હટાવવાનો નિર્મય લે તો એમઓ એ અંગે જાહેરનામું આદેશ જારી કરવો પડે છે.

ભારતીય ન્યાયતંત્ર  પર આક્ષેપોને લીધે સમગ્ર વિશ્વમાં એની પ્રતિષ્ઠા ઝાંખી પડી છે. ન્યાયતંત્રની ગરિમાને ડાઘ લાગ્યો છે…