સુપ્રીમ કોર્ટના ૫૦%થી વધુ કર્મચારી કોરોના સંક્રમિત, હવે જજ ઘરેથી સુનાવણી કરશે

 

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસનું સંક્રમણ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયું છે. અનેક કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. ત્યારબાદ એવો નિર્ણય લેવાયો છે કે સુપ્રીમ કોર્ટના તમામ જજ પોત પોતાના ઘરેથી જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કરશે. 

મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટના ૫૦ ટકાથી વધુ કર્મચારીઓ કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. સુપ્રીમ કોર્ટના કર્મચારીઓમાં કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા બાદ કોર્ટરૂમ સહિત કોર્ટ પરિસરને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું છે. આ કારણે આજથી તમામ બેન્ચ નિર્ધારિત સમયથી એક કલાક મોડી શરૂ થશે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાઇરસના નવા ૧,૬૮,૯૧૨ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો ૧,૩૫,૨૭,૭૧૭ પર પહોંચી ગયો છે. જેમાંથી ૧,૨૧,૫૬,૫૨૯ લોકો રિકવર થયા છે, જ્યારે ૧૨,૦૧,૦૦૯ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં ૯૦૪ લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૧,૭૦,૧૭૯ પર પહોંચ્યો છે. હાલ દેશમાં પૂરજોશમાં રસીકરણ અભિયાન પણ ચાલુ છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ ૧૦,૪૫,૨૮,૫૬૫ લોકોને રસી આપવામાં આવી છે. 

હિન્દુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ એક સરકારી અધિકારીએ જણાવ્યું કે કોરોનાની બીજી લહેર ખુબ ખતરનાક છે. આ વખતે એવા જિલ્લાઓ પણ પ્રભાવિત થઈ રહ્યા છે જે ગત વખતે કોરોનાના મારથી બચી ગયા હતા. આથી બધાએ વધારે ધ્યાન આપવાની જરૂર છે. જે રાજ્યોમાં સંક્રમણના કેસમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે તેમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, દિલ્હી, તામિલનાડુ, મધ્ય પ્રદેશ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, કેરળ, તેલંગાણા, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ છે. લગભગ ૧૦ દિવસ પહેલા દેશનો કેસહોલ્ડ ૧૦ ટકા નીચે ગયો હતો હવે વધીને બમણો થયો છે.