સુપ્રીમ કોર્ટના વડા ન્યાયાધીશ આદરણીય દીપક મિશ્રાનો કાર્યકાળ આજે સમાપ્ત – 2જી ઓકટોબરથી નવા વડા ન્યાયાધીશ રંજન ગોગોઈ કાર્યભાર સંભાળશે..

0
556

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા- સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયાધીશ દીપક મિશ્રાએ આજે છેલ્લીવાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કામગીરી સંભાળી હતી. પોતાના કાર્યકાળ દરમિયાન જસ્ટિસ દીપક મિશ્રાને અનેક પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરવો પડયો હતો. તેમની કાર્યશૈલી પર તેમના સહયોગી ન્યાયાધીશોએ સવાલો ઊભા કર્યા હતા. કોંગ્રસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે  તેમની વિરુધ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ પેશ કર્યો હતો. જો કે એ પ્રસ્તાવ રજૂ થઈ શક્યો નહોતો.

દીપક મિશ્રાએ તેમના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકેના કાર્યકાળ દરમિયાન અનેક મહત્વના કેસના ઐતિ્હાસિક ચુકાદાઓ આપ્યા હતા. તેમણે સમલૈંગિકતા,લગ્નેતર સંબંધો, સબરીમાલા મંદિરમાં સ્ત્રીઓને દર્શન માટે પ્રવેશનો અધિકાર, તીન તલાકની બંધારણીય યોગ્યતા ચકાસ્યા બાદ એને ગેરકાનૂની ઠેરવવવાનો ઐતિહાસિક ચુકાદો વગેરે ચુકાદાઓમાં પોતાના સ્પષ્ટ વલણ સાથે નિર્ણયો ઘોષિત કર્યા હતા.

દીપક મિશ્રાએ એમના સુપ્રીમ કોર્ટના વડા ન્યાયમૂર્તિ તરીકેના કાર્યકાળમાં આપેલા ચુકાદાઓ હંમેશા યાદગાર બની રહેશે. તેમનો 13 મહિના અને પાંચ દિવસનો કાર્યકાળ અનેક ઊથલપાથલથી ભરેલો રહયો હતો. સર્વોચ્ચ અદાલતની કાર્યવાહીનું જાહેર પ્રસારણ કરવા માટેના અનુમતિ આપીને એક નોંધપાત્ર કામ કર્યું છે. હવે અદાલતની કામગીરીનું જીવંત પ્રસારણ આમ જનતા સુધી પહોંચી શકશે.