સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સામે મહા અભિયોગ પ્રસ્તાવને ઉપ -રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ફગાવી દીધો

0
659

કોંગ્રસ સહિત સાત વિરોધ પક્ષોએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની કામગીરીને પક્ષપાતભરી દર્શાવી તેમને પદભ્રષ્ટ કરવામાટે સંસદના ઉપલા ગૃહ – રાજયસભાના સભાપતિને 67 સભ્યોના હસ્તાક્ષરવાળી મહા અભિયોગ પ્રસ્તાવ માટેની નોટિસ સુપરત કરી હતી. આ પ્રસ્તાવની યોગ્યતા-અયોગ્યતા ચકાસીને એનો સ્વીકાર કે અસ્વીકાર કરવાની સત્તા સદનના અધ્યક્ષ ઉપ-રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પાસે છે. તેમણે  વિપક્ષો દ્વારા અપાયેલી આ નોટિસ અંગે વ્યાપક ચર્ચા- વિચારણા કર્યા બાદ આ દરખાસ્તને ફગાવી દીધી હતી. શુક્રવારે વિપક્ષો દ્વારા ઉપરોકત નોટિસ મળ્યાબાદ ઉપરાષ્ટ્રપતિ નાયડુ ચાર દિવસ માટે આંદ્રની મુલાકાતે ગયા હતા. પરંતુ પરિસ્થિતિની ગંભીરતાને લક્ષમાં રાખીને તેઓ તરત જ બીજા દિવસે નવી દિલ્હી પાછા ફર્યા હતા.દેશ સ્વતંત્ર થયાબાદ સાત દાયકાથી ભારતના ન્યાયતંત્રની ગરિમા યથાવત રહી છે. સુપ્રીમ કોર્ટના વડા ન્યાયાધીસની કામગીરી પ્રત્યે શંકા ઊઠાવીને તેમને પદભ્રષ્ટ કરવા માટે મહા અભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવે એવી ઘટના આ સૌ પ્રથમવાર બની છે. દેશના ન્યાયતંત્રની ગરિમાને રાજકારણના ઓછાયામાં ઝાંખપ લાગી રહી છે. જાણીતા કાનૂનવિદ્ ફલી નરીમાને આ દરખાસ્ત મોકલવામાં આવી એ દિવસનો ભારતીય ઈતિહાસના કાળા દિવસ તરીકે ઓળખાવ્યો હતો. આધારભૂત સૂત્રો દ્વારા સાંપડેલી માહિતી અનુસાર, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ઉપરોકત મહા અભિયોગની નોટિસ અંગે બંધારણના જાણકારો અને કાનૂનવિદ્ સાથે વિચાર- વિમર્શ કર્યો હતો. રાજયસભાના સચિવાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિશેષજ્ઞ સુભાષ કશ્યપ, ભૂતપૂર્વ કાયદા સચિવ પી કે મલ્હોત્રા સહિત કાયદાના અનેક નિષ્ણાતોની સલાહ લીધી હતી. તેમણે કે કે  વેણુગોપાલ સાથે પણ ચર્ચા કરી હતી. વિપક્ષોના પ્રસ્તાવને રદ કરવા બાબત નાયડુએ 10 પાનાનો આદેશ આપ્યો હતો. જેમાં આ પ્રસ્તાવ રદ કરવા માટે 10થી વધુ કારણો આપ્યા હોવાની માહિતી મળી હતી.