સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બોબડેની ટિપ્પણી : હવે સમય આવી ગયો છે કે, મહિલા પણ ભારતની ચિફ જસ્ટિસ બને …

 

     સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ એક મહિલા વકીલની પિટિશન પર ચીફ જસ્ટિસ બાબતે ટિપ્પણી કરી હતી. તાજેતરમાં એક મહિલા વકીલે પિટિશનમાં હાઈકોર્ટમાં જજ તરીકે મહિલાઓની ભાગીદારી વધે તેમાટે માગણી કરી છે. આ મહિલા વકીલનું કહેવું છેકે, અદાલતોમાં મહિલાઓનું પ્રમાણ માત્ર 11 ટકા જ છે. જે બહુ જ ઓછું કહી શકાય. સુપ્રીમ કોર્ટના પાછલા 71 વર્ષના સમયકાળમાં નિમાયેલાં 247 જજમાં માત્ર આઠ જ મહિલાઓ હતી. હાલમાં પણ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ઈન્દિરા બેનરજી એક માત્ર મહિલા છે. સૌપ્રથમ મહિલા જજ તરીકે 1987માં ફાતિમા બીબીની નિમણુક થઈ હતી. મહિલા વકીલે પોતાની પિટિશનમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાં પ્રેકટિસ કરતી મહિલા વકીલોમાંથી જ કોઈની જજ તરીકે પસંદગી કરવી જોઈએ. 

     ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેએ જણાવ્યું હતું કે, હું જયારે હાઈકોર્ટમાં જજ હતો ત્યારે એ બાબત મેં બહુ પ્રયત્ન કર્યા હતા. પરંતુ જે મહિલા વકીલનો અમે સંપર્ક કરતાં તો અમને કહેતા હતા કે, અમારા બાળકોની અને અમારા ઘરની જવાબદારીઓ અમારા ઉપર છે. આ રીતે મહિલા જજની નિમણુકમાં બહુ મુશ્કેલીઓ ઊભી થતી હતી.  જસ્ટિસ બોબડેએ જમાવ્યું હતું કે, જોકે હવે આ અંગે વધુ ચિંતા કરવાની જરૂર નથી. ભારતમાં મુખ્ય ન્યાયાધીશ મહિલા બને તે સમય નજીક આવી ગયો છે. તેમણે કહ્યું હતું કે, મહિલાઓની જજ તરીકેની નિમણુક અંગે સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી.