સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી …

0
920

 

   ભારતની સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને પ્રદાન કરવામાં આવતી સુરક્ષા ખામીભરી અને અપૂણૅ હોવાનું ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય તેમજ ઈન્ટેલિજન્સ બ્યુરો અને અન્ય સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું હતું. તેમણે  ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને આપવામાં આવતી સુરક્ષા કમજોર હોવાનું જણાવીને તે અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. દિલ્હી પોલીસના સંયુક્ત પોલીસ આયુક્ત (સુરક્ષા) આઈ. ડી. શુકલાએ જણાવ્યું હતું કે, ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક દરમિયાન એ વાત સ્પષ્ટ થઈ હતી કે, ચીફ જસ્ટિસની સુરક્ષા કેવળ કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે. લોકો તેમની નિકટ જઈને તેમને માળાઓ પહેરાવે છે, તેમની સાથે સેલ્ફી લે છે , એ બિલકુલ યોગ્ય નથી. આ બધી બાબતો પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવવો જોઈએ. સુરક્ષા એજન્સીઓની બેઠક પૂરી થયા બાદ તેમની સુરક્ષા ટીમને સુરક્ષિત પાર્કિંગ ઉપલબ્ધ કરાવીને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને અપાતી સુરક્ષા વધુ સઘન બાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. દિલ્હીના પોલીસતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં વર્તમાન પરિસ્થિતિને લક્ષમાં રાખીને સહુને સુરક્ષા બાબત નવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ લોકોની સલામતી અને સુરક્ષા બાબત કશી ચૂક ના થાય તેની પૂરતી કાળજી રાખવાનું જણાવવામાં આવ્યું હતું.  તાજેતરમાં એવી ઘટનાઓ જાણમાં આવી હતી કે,ભીડમાં લોકો ચીફ જસ્ટિસની નિકટ જઈને તેમની સાથે સેલ્ફી લેતા હતા. આથી તેમની સલામતી બાબત ગોઠવણ કરવામા માટે ઉચ્ચસ્તરની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.