સુખી પરિવારની જાતમહેનત સાથેની સેવા બની અનેક કુટુંબો માટે રાહત

 

ભુજઃ કોરોના વાઇરસ સામેની લડાઇ અંતર્ગત જાહેર કરાયેલા લોકડાઉન દરમ્યાન જરૂરતમંદ લોકોની વિવિધ પ્રકારની સેવાઓ અત્યારે મહત્ત્વનું પરિબળ બની છે તેવા સમયે ભુજના લોહાણા જ્ઞાતિના સચદે પરિવારના સુખીસંપન્ન સદસ્યો દ્વારા જાતે શ્રમયજ્ઞ સાથે આદરેલું સેવાકાર્ય નોંધનીય બની રહ્યું છે. બાપા દયાળુ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી સેવાના ક્ષેત્રમાં અલગ સ્થાન ઉભું કરનારા મૂળ રસલિયાના વતની અને ભુજને કર્મભૂમિ બનાવનારા લોહાણા જ્ઞાતિના યુવા આગેવાન જયેશ જમનાદાસ સચદેના પરિવારની આ સેવા અત્યારે લોકડાઉન વચ્ચે જરૂરિયાતમંદો માટે રાહત બની છે. 

અખિલ ગુજરાત લોહાણા યુવા સમિતિના રાજય અધ્યક્ષ જયેશભાઇએ જણાવ્યું છે કે જયાં સુધી જરૂરત રહેશે ત્યાં સુધી તેમની આ સેવા ચાલુ રહેશે. નોંધપાત્ર બાબત એ બની રહી છે કે રાશનની કિટ બનાવવા માટેની સામગ્રી આ પરિવાર જાતે જ ખરીદી કર્યા બાદ કિટ પણ જાતે જ બનાવે છે. તો વિવિધ સ્થળેથી મળતા સૂચન અને આવતી માગણીઓને કેન્દ્રમાં રાખીને વિતરણની વ્યવસ્થા પણ તેઓ જાતે પોતાની ગાડીમાં જઇને કરે છે. પરિવારના આ શ્રમ-સેવાયજ્ઞમાં ઘરના ગૃહિણી મીતાબેન, પુત્રી કયુટી અને પુત્ર નિલ અને તેમની પત્ની નિરાલી જાતમહેનત સાથે ખભેખભા મિલાવી મદદરૂપ બને છે. તો મિત્ર વર્તુળના હરેશ તન્ના, દર્શન અનમ, બિપિન કેશરિયા વગેરે પણ તેમાં સહભાગી બની રહ્યા છે.