સી.આર. પાટીલને કામ સોંપીએ એટલે જીત નિશ્ચિત છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

 

સુરતઃ બોડેલી ખાતે મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જેને સ્વરાજ અપાવ્યું એ સ્વરાજની બેલડી ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ છે. આ બંને દ્વારા સહકારિતાની શરૂઆત કરાઇ હતી અને સ્વરાજ અપાવ્યું હતું. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેનિ્દ્રય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહ આપણને સહકારિતામાં સમૃદ્ધિ તરફ આગળ વધારી રહ્યાં છે.

ડેરી ઉદ્યોગ એ સહકારિતાની નાભી ગણાય છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બોલ્યા હશે ત્યારે કોઈના મગજમાં નહીં હોય પણ આજે દરેક જગ્યાએ કોઈપણ પ્રોગ્રામ હોય તો આપણને લાગે જ છે કે તેમની દિર્ઘદ્રષ્ટિમાંથી નીકળેલું સ્લોગન આજે દરેક લોકો અપનાવીને આગળ વધી રહ્યાં છે. આત્મનિર્ભર ભારત માટે પણ આત્મનિર્ભર ગુજરાત થવું જરૂરી છે અને એની અંદર પણ આપણે સહકારિતાથી ખૂબ આગળ વધીએ છીએ.

આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું હતું કે, ગઠબંધનનો કડવો અનુભવ ગુજરાતની ભોળી જનતાને પહેલા થયો છે. તે માટે ભાજપે નિર્ણય લીધેલ છે કે હારીએ તો હાર સ્વીકાર છે પણ એક પણ કોંગ્રેસી સાથે ગઠબંધન નહિ કરીએ, ભાજપ ગઠબંધન નહિ લોકહિત માટે કાર્ય કરતો પક્ષ છે, સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, પ્રમુખ તરીકે સવા વર્ષ પૂર્ણ થયું આ સવા વર્ષમાં પક્ષે સહકારી સંસ્થાઓમાં ૯૬ ઈલેકશન લડ્યાં અને આ ૯૬ માંથી ૯૫ સંસ્થાઓ પર ભાજપના મેન્ડેટવાળાં ઉમેદવારો વિજય પામ્યાં અને આ ૯૫ સંસ્થાઓને કોંગ્રેસના પંજામાંથી મુક્ત કરાવી ભાજપનો ભગવો લહેરાવ્યો અને લોકહિત માટે સારો વહીવટ આપવાનું કાર્ય કર્યું છે.

સી. આર. પાટીલે અગાઉ સુરતમાં કહ્યું હતું કે હાલમાં ભાજપ પાસે ૧૧૨ ધારાસભ્યો છે એટલે અમારે ૭૦ નવા ઉમેદવારો પસંદ કરવાના છે. જયારે જુના ૧૧૨માંથી પણ થોડાક નિવૃત્ત થશે એટલે ૧૦૦ જેટલા નવા ઉમેદવારોને તક મળશે, જો પાર્ટીના કાર્યકરો સારું પરફોર્મ કરે તો તેઓને પણ ટિકીટ મળી શકે તેમ છે. અલબત્ત બધાંજ જુના ધારાસભ્યોને પડતાં મૂકવાના છે તેવી કોઈ વાત નથી.