સી.આર. પાટીલની પેજ પ્રમુખની મહેનતે આખા ગુજરાતમાં ભગવો લહેરાવી દીધો

 

 

ગાંધીનગરઃ સી. આર. પાટીલ જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે જ તેમણે ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત અને કોંગ્રેસના સફાયાની વાત કરી હતી. તેમણે આ વાતને સાચી કરવા માટે ભારે જહેમત પણ ઉઠાવી હતી. પહેલા આખા ગુજરાતનો પ્રવાસ કર્યો. ઠેકઠેકાણે આગેવાનો સાથે મીટિંગો કરી અને બાદમાં આખા રાજ્યના તમામ કાર્યકરોને કામે લગાડી દીધા. આખા રાજ્યમાં કાર્યક્રમો કર્યાં અને ચૂંટણી નજીક આવતાં જ પેજ પ્રમુખની પ્રથા શરૂ કરી. 

તેમની આ મહેનતનો સરવાળો એ થયો કે આજે જ્યારે ચૂંટણીના પરિણામો જાહેર થયાં ત્યારે રાજ્યમાં અનેક જગ્યાએથી કોંગ્રેસ નેસ્તનાબુદ થઈ ગઈ અને ભાજપનું કમળ ખીલી સોળે કળાએ ખીલી ઉઠ્યું. તેમની પેજ પ્રમુખ બનાવવાની મહેનત લેખે લાગી અને પરિણામ સ્વરૂપ આખા રાજ્યમાં ભાજપનો કેસરિયો લહેરાયો.

માધવસિંહ સોલંકીના સમયમાં જ્યારે આખા ગુજરાતમાં કોંગ્રેસનો ડંકો વાગતો હતો. ત્યારે ગુજરાતમાં ભાજપ ગણતરીની બેઠકો પર હતી. હિન્દુત્વના જુવાળમાં ભાજપે કાઠું કાઢ્યું અને બાદમાં નરેન્દ્ર મોદીએ મતોનું ધ્રુવીકરણ કર્યું કે ભાજપ છેલ્લા બે દાયકાથી સતત ગુજરાતમાં સત્તા ભોગવી રહ્યું છે. શહેરોમાંથી કોંગ્રેસ ક્યારની નાબુદ થઈ ગઈ હતી. કોંગ્રેસ માટે એકમાત્ર ગામડાઓમાં જ આશા જીવંત હતી, પરંતુ તે આશા પણ હવે દિસ્વપ્ન લાગે છે. આખા રાજ્યમાં સમખાવા પુરતી એકપણ જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે નથી. કોંગ્રેસના નેતાઓ માટે આ ભારે શરમજનક સ્થિતિ છે. 

પ્રદેશ પ્રમુખ બનતાં જ સી. આર. પાટીલે એવો ફુંફાડો માર્યો કે કોઈ નેતા જુથબંધી કરી શકે જ નહીં. જો કરે તો તેનું પરિણામ ખરાબ આવશે તેવી બીક ભાજપના નેતાઓમાં પેસી ગઈ અને તેનો સીધો ફાયદો આ વખતે ચૂંટણીમાં જોવા મળ્યો. એકમાત્ર સુરત મહાપાલિકામાં જ આપ ૨૭ બેઠકો જીતી શક્યું. બાકી આમ આદમી પાર્ટીએ અનેક હોંકારા પડકારા કર્યાં પરંતુ સૌરાષ્ટ્રમાં પણ સફાયો થયો અને અન્યત્ર તો આપની એટલી નોંધ પણ લેવામાં નથી આવી. 

એકલદોકલ બેઠક જીતીને આપે અરવિંદ કેજરીવાલનો સુરતનો ફેરો પણ ફોગટ કર્યો. સી. આર. પાટીલે એવો સપાટો બોલાવ્યો કે ગુજરાતમાં કોંગ્રેસ વિપક્ષમાં પણ બેસવા લાયક રહી નથી. તેમની આગેવાનીમાં ભાજપે મેળવેલી આ જીતની મોટી અસર ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળશે. ગુજરાતમાં ૧૪૯ સીટનો કોંગ્રેસના માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડવો દૂર નથી?