સીબીએસઇ, આઇબી સહિત અન્ય બોર્ડ-માધ્યમોની શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત

અમદાવાદઃ આગામી નવા શૈક્ષણિક સત્ર જૂન 2018થી ગુજરાત બોર્ડ, સીબીએસઇ, આઇસીએસઇ, આઇબી, સીઆઇએસસીઇ, આઇજીસીએસઇ સહિતનાં તમામ બોર્ડની સ્કૂલોમાં ગુજરાતી વિષયને ફરજિયાત ભણાવવામાં આવશે. ગુજરાત સરકારે તમામ બોર્ડની સ્કૂલોમાં ગુજરાતીને ફરજિયાત કર્યાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાહેરાત મંગળવારે ગુજરાત વિધાનસભામાં કરી હતી.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે ગુજરાતી ઉપરાંત અન્ય ભાષાના માધ્યમની સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષા અને સંસ્કૃતિથી પરિચિત થાય તે હેતુથી સરકારમાન્ય અન્ય બોર્ડ-માધ્યમની સ્કૂલોમાં પણ ગુજરાતી શીખવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિધાનસભાગૃહમાં રાજ્યના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારોની પ્રેક્ષકદીર્ઘામાં હાજરી સાથે તેમણે કહ્યું કે જૂન, 2018થી તેનો અમલ થશે. કોઠારી પંચના અહેવાલ મુજબ પ્રથમ ભાષા તરીકે માતૃભાષા હોવી જોઈએ, પરંતુ રાજ્યની ભાષા ગુજરાતી શીખવાડાતી નથી. આથી ગુજરાતનું બાળક યોગ્ય રીતે ગુજરાતી બોલી કે સમજી ન શકે તેવું ઘણી વાર જોવા મળે છે, પરંતુ હવેથી રાજ્ય સરકારના નિર્ણયના અમલ પછી ગુજરાતની તમામ માધ્યમની તમામ શાળાઓમાં પ્રથમ ધોરણ-1, ધોરણ-2 પછી તબક્કાવાર આગલા ધોરણોમાં પણ ગુજરાતી ભાષા ફરજિયાત શીખવવાની શરૂ થશે. ત્યાર પછી ગુજરાતી બાળકો ગુજરાતી ભાષાને સમજતાં થશે. તજ્જ્ઞો અને ભાષાના નિષ્ણાતો-શિક્ષણકારો સાથે રહીને આ પહેલને વધુ સચોટ રીતે ક્રમશઃ આગલા ધોરણ માટે અમલ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here