સીબીઆઇ દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નવ કલાક પૂછપરછ

નવી િદલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઇ દ્વારા તેમની ઓફિસમાં દારૂ નીતિ કેસમાં લગભગ ૯ કલાકની પૂછપરછ કરવામાં આવી હતી. કેજરીવાલની પૂછપરછનો વિરોધ કરી રહેલા આપના ધારાસભ્યોની પોલીસે અટકાયત કરી હતી. બાદમાં તેમને મુકત કરવામાં આવ્યા હતા. તમામ લોકો નારા લગાવતા નજફગઢ પોલીસ સ્ટેશનની બહાર આવ્યા હતા. દિલ્હી સરકારના અનેક મંત્રીઓ, પાર્ટીના સાંસદો અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સીબીઆઇ ઓફિસમાં કેજરીવાલને મૂકવા ગયા હતા. ત્યારબાદ આ નેતાઓએ સીબીઆઇ ઓફિસની બહાર જ વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ હતું. જે બાદ રાઘવ ચઢ્ઢાઅને સંજયસિંહ સહિત અનેક નેતાઓને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઇની પૂછપરછને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના દિલ્હી કન્વીનર ગોપાલ રાયે ઇમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય સચિવ પંકજ ગૃપ્તા, દિલ્હીના મેયર શેલી ઓબેરોય અને ડેપ્યુટી મેયર આલે મોહમ્મદ ઇકબાલ પણ હાજર હતા