સીએએ અંગે મુસ્લિમોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છેઃ વડા પ્રધાન

નવીદિલ્હીઃ રાજધાની દિલ્હીની અનધિકૃત કોલોનીઓને નિયમિત કરવાના નિર્ણય માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ધન્યવાદ આપવા માટે રામલીલા મેદાનમાં મહાસભા આયોજિત કરવામાં આવી હતી, જેમાં પ્રચંડ મેદનીને સંબોધતાં વડા પ્રધાન મોદીએ સવા કલાક લાંબું ભાષણ આપ્યું હતું અને એમાં નાગરિકતા કાનૂન મુદ્દે સર્જાયેલાં વિવાદ, અસમંજસ, વિરોધ અને હિંસામુદ્દે મૌન તોડ્યું હતુ અને કોંગ્રેસ, તૃણમૂલ અને આમઆદમી પાર્ટી સહિતનાં વિપક્ષી દળો પર ધગધગતો હુમલો બોલાવ્યો હતો.
વડા પ્રધાન મોદીએ રવિવારે દિલ્હીવાસીઓને સંબોધતાં પોતાના ભાષણની શરૂઆત ‘વિવિધતામાં એકતા, ભારતની વિશેષતા’ના નારા સાથે કરી હતી. તેમણે સૌપ્રથમ દૂષિત પાણી અને પ્રદૂષણમુદ્દે દિલ્હીની આપસરકારને કઠેડામાં ઊભી રાખી હતી અને પછી નાગરિકતા કાયદા વિશે ફેલાવાતી અફવા અને એના વિરોધમાં થયેલી હિંસાના જવાબો વાળ્યા હતા.
ત્યાર બાદ તેમણે નાગરિકતા કાયદાની વાત છેડતાં કહ્યું હતું કે તેઓ બધા આંદોલનકારીઓને અહિંસાનો માર્ગ અખત્યાર કરવાની અપીલ કરે છે. જે લોકો તિરંગો ઉઠાવીને નીકળી રહ્યા છે તેમને તિરંગો ઉપાડવાનો અધિકાર છે, પણ સાથે એમાં જવાબદારી પણ છે. કોંગ્રેસના લોકો બે દાયકાથી તેમની પાછળ પડી ગયા હોવાનું જણાવીને મોદીએ કહ્યું હતું કે આ લોકો જેટલી તેમને નફરત કરે છે એટલો જ સ્નેહ દેશની જનતા તરફથી મળતો જાય છે.
મુસ્લિમ દેશોમાંથી મોદીને આટલું સન્માન કેમ મળી રહ્યું છે એ સવાલથી આ લોકો અકળાયેલા છે. મમતા બેનર્જી આજે આ કાયદા સામે સવાલ ઉઠાવી રહ્યાં છે, પણ સંસદમાં ઊભા થઈને તેમણે જ બાંગ્લાદેશી ઘૂસણખોરોને બહાર કરવાની અને શરણાર્થીઓને મદદ કરવાની માગણીઓ ઉઠાવેલી. ડાબેરીઓને તો જનતા નકારી ચૂકી છે. તેમના નેતાઓએ પણ બાંગ્લાદેશમાંથી આવનારા લોકો માટે આશ્રયની વાત ભૂતકાળમાં કરેલી છે.
આ સિવાય પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે પણ સંસદમાં આ વિશે કરેલું નિવેદન મોદીએ યાદ કરાવ્યું હતું. તેમણે આગળ મહાત્મા ગાંધીને યાદ કરતાં કહ્યું હતું કે પાકિસ્તાનથી આવનારા હિન્દુ અને શીખોનું ભારતમાં સ્વાગત થવું જોઈએ એવું મહત્મા ગાંધીએ કહેલું. ગાંધી અટકનો ઉપયોગ કરનારની વાત ન માનો પણ મહાત્મા ગાંધીજીની વાત તો માનવી જ જોઈએ. પાકિસ્તાનમાં વસતી હિન્દુ અનુસૂચિત જાતિ સાથે ભેદભાવ થાય છે અને બેટીઓનું શોષણ પણ થાય છે. તેમને પરાણે ધર્મ પરિવર્તન કરાવાય છે. હવે અનુસૂચિત જાતિની રાજનીતિ કરનારા લોકોને અ.જા.ના હિતનું કામ થાય છે તો કેમ તકલીફ પડી રહી છે? તેમણે આગળ સ્પષ્ટ કર્યું હતું કેેન્દ્રમાં પોતાની સરકાર બની ત્યારથી આજસુધી ક્યારેય પણ એનઆરસીની ચર્ચા થઈ જ નથી. સુપ્રીમ કોર્ટના આદેશથી ફક્ત આસામ માટે એની ચર્ચા થઈ. શહેરમાં રહેતા કેટલાક શિક્ષિત અર્બન નક્સલીઓ મુસ્લિમોને ડિટેન્શન સેન્ટરમાં મોકલવાની અફવાઓ ફેલાવી રહ્યા છે. લોકો તેમની વાતમાં ન દોરવાય. હિન્દુસ્તાની માટીના જે મુસ્લિમ છે અને જેમના પૂર્વજો ભારતનાં સંતાન છે તેમને નાગરિકતા ધારા કે એનઆરસી સાથે કોઈ નિસ્બત જ નથી. કોઈ મુસ્લિમને ડિટેન્શન સેન્ટરમાં મોકલાશે નહિ અને આવું કોઈ સેન્ટર ભારતમાં છે પણ નહિ.
દેશની ૧૩૦ કરોડની જનતાને આ કાયદા સાથે કોઈ સંબંધ જ નથી. પોલીસ પણ કોઈ પક્ષપાત ન કરતી હોવાનું કહીને મોદીએ આગળ ઉમેર્યું હતું કે દિલ્હીની અનાજ મંડીની આગમાં પોલીસ કોઈને ધર્મ પૂછીને બચાવવા ગઈ નહોતી. ટોળા પોલીસ પર હુમલા કરે છે અને દેશની સૌથી જૂની પાર્ટીના નેતા ઉપદેશ આપી રહ્યા છે, પણ શાંતિનો સંદેશ આપવા કોઈ કંઈ કરતું નથી. જે દર્શાવે છે કે હિંસામાં તમારી મૂક સંમતિ છે. જો કોઈને મોદી સામે વાંધો હોય તો મોદીનાં પૂતળાં સળગાવો, પણ દેશની સંપત્તિને બાળો નહિ. પોલીસ જવાનોને મારવામાં આવે છે, એનાથી શું મળવાનું છે?
આઝાદી બાદ ૩૩ હજાર પોલીસકર્મીએ શાંતિ અને સુરક્ષા માટે શહાદત આપી છે. વિપક્ષ ખોટા આરોપો લગાવીને દેશને બદનામ કરે છે. જે પ્રકારે સ્કૂલની બસ પર હુમલા થયા, વાહનો સળગાવાયાં, ઇમાનદાર કરદાતાઓના પૈસાથી બનેલી સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવ્યું એ કયા પ્રકારનું રાજકારણ છે. તેમના ઇરાદાઓ દેશની જનતા પૂરા થવા દેશે નહિ. નાગરિકતા સુધારાનો કાયદો દેશની સંસદે ઘડ્યો છે અને એનું સન્માન થવું જોઈએ. એના વિશે ફેલાવાતી ભ્રમણા સામે બધાએ સાવધાન બની જવું જોઈએ.