સિવિલમાં ડોક્ટરોએ થ્રી ડી પ્રિન્ટિંગ, લિક્વિડ નાઇટ્રોજનથી કેન્સરની સફળ સર્જરી કરી

 

અમદાવાદઃ ટેક્નોલોજીના યુગમાં અસાધ્ય ગણાતા રોગોનું નિદાન અમદાવાદસ્થિત સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે દ્વારકાની સાત વર્ષની બાળકીના કેન્સર ટ્યૂમરવાળા થાપાના હાડકાને થ્રી ડી પ્રિન્ટિંગ અને લિક્વિડ નાઇટ્રોજનની મદદથી શરીરની બહાર કાઢીને કેન્સરમુક્ત કરી છ કલાકની સર્જરીથી ફરી બેસાડ્યું છે. રાજ્યમાં સૌપ્રથમ વખત થ્રી ડી પ્રિન્ટિંગ અને લિક્વિડ નાઇટ્રોજન ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

સિવિલની કેન્સર હોસ્પિટલના ઓર્થોપેડિક ઓન્ક્રો સર્જન ડો. અભિજિત સાળુંકેએ જણાવ્યું હતું કે દ્વારકાની સાત વર્ષીય બાળકીને થાપાના હાડકામાં કેન્સરની ગાંઠ હતી. આવા કેસમાં મોટે ભાગે આર્ટિફિશિયલ હાડકું તેમજ ઘૂંટણનો સાંધો બદલવો પડે છે, પરંતુ આ બાળકીની ઉંમરને ધ્યાનમાં રાખીને તેના થાપાનાં હાડકાને બહાર કાઢી એને ટ્યૂમરમુક્ત કરીને ફરી પાછું બેસાડ્યું છે. આ સર્જરીમાં હાડકું ફિટ કરવામાં ત્રણ પ્લેટ અને ૧૫ સ્ક્રૂનો ઉપયોગ કરાયો હતો.

તેમના જણાવ્યાનુસાર, અમારી ટીમે થ્રી ડી પ્રિન્ટિંગ અને લિક્વિડ નાઇટ્રોજન એમ બંને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સર્જરી કરી છે. આ સર્જરી ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવે તો એનો ખર્ચ અંદાજે આઠથી દસ લાખ જેટલો થાય છે, જ્યારે સિવિલમાં આ સર્જરી ફ્રીમાં કરાઈ છે. આ સર્જરી હોસ્પિટલના ડાયરેક્ટર ડો. શશાંક પંડ્યાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. સર્જરીમાં ડો. અભિજિત સાળુંકે સાથે સર્જિકલ ઓન્ક્રોલોજિસ્ટ ડો. મયૂર કામાણી, ડો. વિશાલ ભાભોર તેમજ ડો. વિકાસ વરીકુ સાથે ઉપસ્થિત હતા.

વધુમાં, ડો. અભિજિત સાળુંકેએ જણાવ્યું હતું કે બાળકીને થાપાના હાડકામાં કેન્સરની ગાંઠ હતી, જે કાઢવા માટે આખું હાડકું કાઢવાને બદલે પહેલા હાડકાનો એક્સ-રે, સિટીસ્કેન અને એમઆરઆઇ કરીને ત્રણેય થ્રી ડી પ્રિન્ટિંગ મશીન દ્વારા હાડકાની ચોક્કસ સાઇઝ નક્કી કરાઈ. બાળકીના થાપાનું હાડકું ૩૦ સેન્ટિમીટરનું, જ્યારે ટ્યૂમરની સાઇઝ ૧૮ સેન્ટિમીટર હતી. આ ટેક્નોલોજી વગર બાળકીના ત્રણ સેન્ટિમીટર ઘૂંટણની સાથે ૧૮ સેન્ટિમીટર ટ્યૂમરવાળું હાડકું એમ મળીને ૨૧ સેન્ટિમીટર જેટલું હાડકું કાઢવું પડ્યું હોત, એને બદલે અમે આ બે ટેક્નોલોજીની મદદથી હાડકાનું ચોક્કસ માપ કાઢી ત્યાર બાદ હાડકું આડુંઅવળું ન કપાય એ માટે થ્રી ડી પ્રિન્ટિંગથી ડેમો મોડેલ બનાવીને જીગ ડિવાઇસથી કાપ્યું અને સર્જરી કરી. ચોક્કસ માપ લીધા બાદ બાળકીના હાડકાને ટ્યૂમરવાળા ભાગથી ઉપરથી અઢીથી ત્રણ સેન્ટિમીટર કાપીને છૂટું કરી પગની બહાર કાઢીને એને માઇનસ ૧૮૫ ડિગ્રી લિક્વિડ નાઇટ્રોજનમાં નાખીને હાડકું ટ્યૂમરમુક્ત કર્યું, ત્યાર બાદ હાડકાને ૧૫ મિનિટ હવામાં અને નોર્મલ ટેમ્પરેચરમાં લાવવા ૧૦ મિનિટ સલાઇનમાં રાખીને ફરી પાછું બેસાડ્યું.