અમદાવાદની હાલની ભૂમિ ઉપર અગિયારમી સદીના પૂર્વાર્ધમાં આશા ભીલ દ્વારા સ્થપાયેલી વસાહત આશાવલ નામે ઓળખાતી. અગિયારમી સદીના ઉત્તરાર્ધમાં સોલંકી યુગના રાજા કર્ણદેવના રાજ્યાભિષેક બાદ આશાવલ ઉપર હુમલો કરવામાં આવ્યો. આ આશાવલને સ્થાને કર્ણરાજાના નામ ઉપરથી કર્ણાવતી સ્થાપવામાં આવ્યું. ઈ. સ. ૧૪૧૧માં મુસ્લિમ બાદશાહ અહમદશાહે શહેર વસાવ્યું અને તેને ફરતે કોટ બંધાવ્યો. ત્યારથી અત્યાર સુધી તે અમદાવાદ તરીકે ઓળખાય છે.
આ સમય દરમિયાન અમદાવાદમાં વિવિધ ધર્મ, કોમ, સંસ્કૃતિ, કલા, સ્થાપત્ય, ઉદ્યોગ અને વાણિજ્ય, સ્વાતંત્ર્ય સંગ્રામ, તહેવારો, સંસ્થાઓ તથા સાહિત્ય પાંગર્યાં. આ તમામના વિકાસની ઝાંખી એટલે કે અતીતની ઝાંખી આ મ્યુઝિયમ કરાવે છે.
ફ્રેન્ચ સ્થપતિ લી કાર્બુઝિયર દ્વારા ડિઝાઇન પામેલા સંસ્કાર કેન્દ્ર – પાલડીમાં સ્થાપિત આ મ્યુઝિયમ પહેલા અને બીજા માળે છે, પરંતુ ભોંયતળિયાથી જૂના અમદાવાદનું વાતાવરણ અનુભવી શકાય છે. અહીં ૧૨મી સદીનાં શિલ્પો, અમદાવાદની ઓળખસમો સુંદર ચબૂતરો, જૂના વીજળીના થાંભલા, ફુવારા, જૂનું ફાયર ફાઇટર વગેરે દર્શિત છે.
સંગ્રહઃ આ મ્યુઝિયમમાં અમદાવાદ શહેરનાં પુરાતત્ત્વ અને ઇતિહાસ, સંસ્કૃતિ અને ધર્મ, રીતરિવાજો અને તહેવારો, કલા તથા વિવિધ સંસ્થાઓનું નિદર્શન કરવામાં આવ્યું છે.
(૧) ઇતિહાસ અને પુરાતત્ત્વ વિભાગમાં અમદાવાદની તવારીખ રજૂ થયેલી છે. પ્રાચીન નકશાઓ, મધ્યયુગીન પુરાતત્ત્વીય નમૂનાઓ, શાહી ફરમાન, સંપત્તિના દસ્તાવેજ, હવેલીના અવશેષો, સોલંકીકાળનાં કેટલાંક શિલ્પો વગેરે જોવા મળે છે. જૂના અમદાવાદના ફોટોગ્રાફ્સ, હાલનાં જાણીતાં સ્થાનિક સમાચારપત્રોનાં જૂના સમયનાં પ્રથમ પાનાં પ્રદર્શિત છે. ગાંધીજી વીથિકામાં આફ્રિકામાં ગાંધીજીને મળેલાં સન્માનપત્રો, ચરખો, શિલ્પ, તસવીરો પ્રદર્શિત છે. સરદાર પટેલનાં પણ તૈલચિત્રો અને ફોટોગ્રાફ્સ પ્રદર્શિત છે.
(૨) કાપડ ઉદ્યોગમાં કિનખાબ સાડી, મશરૂ, આશાવલી સાડી, કલમકારીનો ચંદરવો, ભરતકામ, જરદોસી કામના નમૂનાઓ, બ્લોક પ્રિન્ટનાં બીબાં પ્રદર્શિત છે.
(૩) તસવીરકલાના એક વિભાગમાં જગન મહેતા, પ્રાણલાલ પટેલ, આનંદ પટેલ, પી. એમ. દલવાડી, ઝવેરીલાલ મહેતા જેવા પ્રખ્યાત કલાકારોની તસવીરો પ્રદર્શિત છે. વળી જૂના કેમેરાનો વિરલ સંગ્રહ પણ પ્રદર્શિત છે.
(૪) કલા વિભાગમાં ચિત્રો, શિલ્પ, લિથોગ્રાફ પ્રદર્શિત છે. રવિશંકર રાવળ, રસિકલાલ પરીખ, સોમાલાલ શાહ, છગનલાલ જાદવ, કનુ દેસાઈ, કાન્તિ પટેલ, પીરાજી સાગરા તથા હકુ શાહનાં ચિત્રો, શિલ્પો તેમ જ કાર્ટૂનો પ્રદર્શિત છે.
(૫) કોમ અને સંસ્કૃતિ વિભાગમાં અમદાવાદના વિકાસ અને વેપાર સાથે પરસ્પર સંકળાયેલી વિવિધ કોમો અને ધર્મો, વૈણવ, જૈન, શૈવ, સ્વામિનારાયણ, શીખ, પારસી, ખ્રિસ્તી, યહૂદી, મુસ્લિમની વિશેષતાઓ અને રીતરિવાજો અહીં પ્રદર્શિત છે.
(૬) તહેવારો વિભાગ હેઠળ ગુજરાતમાં ઊજવાતા વિવિધ તહેવારો, જેવા કે મકરસંક્રાંતિ, રથયાત્રા, મહોરમ, નવરાત્રિ અને દિવાળીની ઝાંખી અહીં નિર્દેશિત છે, જેમાં ઉત્તરાયણની પતંગ-ફીરકી, દોરી બનાવવાનાં સાધનો, રથયાત્રાનો રથ, તાજિયા, ગરબો, દિવાળીના ફટાકડા, રંગોળી વગેરે પ્રદર્શિત છે.
(૭) સાહિત્ય વિભાગમાં કેટલાક જાણીતા સાહિત્યકારોની તસવીરો, હસ્તપ્રતો નિદર્શિત છે.
(૮) સ્થાપત્ય વિભાગમાં સ્મારકોની ઝાંખી, આધુનિક સ્થાપત્યનાં મોડેલ, જૂના લાક્ષણિક ઘરની આબેહૂબ ગોઠવણ, જેમાં દીવાન, હિંડોળો, દીવાલમાં જડેલાં લાકડાંનાં કબાટો, રેડિયો, ટેલિફોન, પાણિયારું, ગાલીચો, ગોખલો વગેરે સજાવીને પ્રદર્શિત કરવામાં આવેલાં છે.
(૯) લોકકલા વિભાગમાં ભવાઈ, નાટ્ય અને નૃત્યની તસવીરો પ્રદર્શિત છે. પોશાકો, આભૂષણો, સંગીતનાં સાધનો પણ દર્શાવવામાં આવ્યાં છે.
એક નગરની સ્થાપનાથી લઈને તેના ક્રમશઃ વિકાસના કાળક્રમની ઝાંખી કરાવતું ભારતનું પહેલું અને આગવું મ્યુઝિયમ છે.
સંપર્કઃ સિટી મ્યુઝિયમ, સંસ્કાર કેન્દ્ર, સરદાર પુલ પાસે, પાલડી, અમદાવાદ. પિનકોડ -૩૮૦ ૦૦૭
ટેલિફોનઃ (૦૭૯) ૨૬૫૭ ૮૩૬૯
સમયઃ સવારના ૧૦ઃ૦૦ થી સાંજના ૬ઃ૦૦, મંગળવારથી રવિવાર. સોમવાર તથા જાહેર રજાએ બંધ. (આધારઃ રૂબરૂ મુલાકાત તથા મ્યુઝિયમની માહિતીપત્રિકા)
લેખકઃ ગુજરાત સરકારના પૂર્વ અધિકારી અને ભૂસ્તરશાસ્ત્રી છે.