સિકોક્સઃ સિકોક્સસ્થિત શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં વિદેશની ધરતી પર ભારતીય ઉત્સવ એવો ભવ્ય શાકોત્સવ શ્રી સ્વામિનારાયણ મંદિરસ્થિત મેયરની ઉપસ્થિતિમાં ઊજવવામાં આવ્યો હતો.
ત્રિદિવસીય મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિરનો 23મો પાટોત્સવ હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં તેમ જ યુનાઇટેડ સ્ટે્ટસ કોંગ્રેસમેન બિલ પાસ્કેલ જુનિયર સિકોક્સના મેયર માઇકલ ગનેલી, કાઉન્સિલમેન જોન ગરબાસિયો પણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મહાનુભાવોએ જણાવ્યું હતું કે આચાર્ય સ્વામીજી મહારાજ દ્વારા વસુધૈવ કુટુંબકમની ભાવનાનો સંદેશો આપી સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રસરાવવાનો ઉમદા હેતુ રહેલો છે. આચાર્ય સ્વામીજી મહારાજે જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા અન્વયે જે દેશમાંથી પ્રાપ્ત થયેલું દાન તે જ દેશના ઉત્થાન માટે અર્પણ કરીએ છીએ એ જ અમારો શિલાલેખ છે. આજે સમગ્ર વિશ્વમાં પર્યાવરણનો પ્રશ્ન સતાવતો હોવાથી તેના માટે વૃક્ષારોપણ કરવા માટે પણ હાકલ કરી હતી. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ત્રણ હજાર ડોલરના ચેકોનું ફાયર ડિપાર્ટમેન્ટ, ફ્રી પ્લાન્ટેશન અને એનિમલ માટે દાન કરાયું હતું. છેલ્લાં 23 વર્ષથી દાનની સરવાણી સંસ્થાન દ્વારા થતી રહી છે. (રજૂઆતઃ સદ્ગુરુ ભગવતપ્રિયદાસજી સ્વામી મહંત)