

ન્યુ યોર્કઃ ભક્તિ, પ્રેમ, કર્મ, જ્ઞાન, ધ્યાન, વિદ્યા, સેવા, દયાના ભંડારસમા સિંધી સમાજના આધ્યાત્મિક વડા દાદા સાધુ જે. પી. વાસવાનીનું પુણેમાં વાસવાણી મિશન કેન્દ્રમાં અવસાન થયું હતું. તેઓ 99 વર્ષના હતા. તેમની વિદાયથી ચાહકો અને અનુયાયીઓમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.
ત્રીજી ઓગસ્ટ, 2018ના રોજ તેમની જન્મ-શતાબ્દી ઊજવવાની તડામાર તૈયારી ચાલતી હતી તેના 20 દિવસ અગાઉ તેમણે દેહ છોડી દીધો હતો. તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિંધોલોજીના ચીફ પેટ્રન હતા. દાદા વાસવાણીનો જન્મ હૈદરાબાદ (સિંધ)માં બીજી ઓગસ્ટ, 1918ના રોજ થયો હતો. તેમના કાકા ટી. એલ. વાસવાણીના પ્રભાવ હેઠળ તેઓ આધ્યાત્મિક માર્ગે વળ્યા હતા. તેઓ માનવસેવાને જ પ્રભુસેવા માનતા હતા.