સિંગાપોરમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓની વ્હારે વિશ્વ ગુજરાતી સમાજ

 

અમદાવાદઃ વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસને લીધે લાખો લોકો ભોગ બન્યા છે. તેવા સંજોગોમાં ગુજરાતથી સિંગાપોર ભણવા ગયેલા વિદ્યાર્થીઓ ફસાઈ જતા વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા સિંગાપોર ગુજરાતી સોસાયટીનાં સહયોગથી આ તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક રાહત અપાવવામાં આવી હતી.

આશરે ૧૨થી પણ વધુ ગુજરાતી વિદ્યાર્થીઓએ સિંગાપોરમાં કોરોનાના કહેરને કારણે વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતાં. તેમનાં પૈસા ખલાસ થઈ જતાં મકાન ભાડું, રાશન અને ટ્રાન્સપોર્ટની સમસ્યા ઊભી થઈ હતી. સિંગાપોર સરકારે પણ આ વિદ્યાર્થીઓ માટે કોઈ મદદની વ્યવસ્થા ઊભી કરી ન હતી. આ સંજોગોમાં હતાશ થઈ ગયેલા વિદ્યાર્થીઓએ વિશ્વ ગુજરાતી સમાજનાં પ્રમુખ સી. કે. પટેલનો ઇન્ટરનેટથી સંપર્ક કર્યો હતો. ગુજરાત અને ગુજરાતીઓના હિતને સમર્પિત એવા સી. કે. પટેલે તુરંત જ પોતાનાં વિશ્વાસુ સંપર્કો દ્વારા સિંગાપોર ગુજરાતી સોસાયટીનો સંપર્ક કર્યો હતો. સિંગાપોર ગુજરાતી સોસાયટીનાં પ્રમુખ બિરેન દેસાઈના સાસુશ્રીનાં અવસાનનો દુઃખદ પ્રસંગ બન્યો હોવા છતાં તેમણે તેમની ટીમનાં સભ્યો તુષાર દોશી, કીર્તીભાઈ વોરા વગેરેની મદદથી ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓને તાત્કાલિક રીતે અન્ય સલામત હોસ્ટેલમાં ગોઠવણ કરી હતી. વિદ્યાર્થીઓને તેમનાં ભાડાનાં રહેઠાણથી ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરીને તમામ વિદ્યાર્થીઓને કોરોનાનાં પ્રોટોકોલ મુજબ સલામત હોસ્ટેલમાં તેમને તબદીલ કર્યા હતાં.

આ વ્યવસ્થા કરતા અગાઉ સિંગાપોર ગુજરાતી સોસાયટીનાં બિરેનભાઈ, તુષારભાઈ અને કીર્તીભાઈએ ભારતીય હાઈ કમિશનને પણ આ અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી. હોસ્ટેલમાં તબદીલ કરાયેલા તમામ વિદ્યાર્થીઓને રહેવા સહિત તમામ  વિદ્યાર્થીઓનો રહેવા સહિત ભોજનની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે અને જે વિદ્યાર્થીઓને મેડિકલ સહાયની જરૂર હતી તે અંગે પણ સિંગાપોર ગુજરાતી સોસાયટીએ વિશેષ કાળજી રાખી હતી. વિશ્વમાં ફેલાયેલા ગુજરાતીઓ એકતાંતણે બંધાયેલા રહે અને ગુજરાત-ભારતની સુવાસ દુનિયાભરમાં ફેલાવતા રહે તેવા શુભ આશયથી વિશ્વ ગુજરાતી સમાજ સતત કાર્યશીલ છે. કોરોના મહામારીનાં કપરા સમયમાં વિશ્વ ગુજરાતી સમાજે અગાઉ પણ યુરોપ અને ફિલિપાઇન્સમાં ફસાયેલા ગુજરાતીઓ માટે સરાહનીય કામગીરી કરેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here