સાહિત્ય સંસદ ઓફ નોર્થ અમેરિકાની બેઠકમાં મધુ રાયના નાટકની વાચિક રજૂઆત

 

ન્યુ યોર્કઃ સાહિત્ય સંસદ ઓફ નોર્થ અમેરિકાની આ માસની બેઠક ત્રીજી જૂને યોજાઈ ગઈ. શુદ્ધ સાહિત્યની ઉપાસનાના ઉદ્દેશ્યને વરેલી આ સંસ્થાનો ઉપક્રમ સદૈવ ગુજરાતી સાહિત્યની તમામ વિદ્યાઓમાં સર્જિત સાહિત્યનું ગુણદર્શન ભાવકોને થાય એવો હોય છે અને એ જ તરાહને જાળવતાં પ્રથમ બેઠકમાં વાર્તા અને દ્વિતીય બેઠકમાં અનુવાદ પછી આ ત્રીજી બેઠકમાં નાટકનું રસદર્શન કરાવવાનો હતો.
ગુજરાતી સાહિત્યના સામર્થ્યવાન સર્જક આધુનિક ગુજરાતી સાહિત્યની ધરોહર એવા સમર્થ વાર્તાકાર, સશક્ત નવલકથાકાર અને પ્રસિદ્ધ નાટકકાર મધુ રાયની ઉપસ્થિતિમાં અને એમની હિસ્સેદારી સાથે એમના જ લખેલા બહુપ્રસિદ્ધ નાટક ‘કાન્તા કહે’નો વાચિક અભિનય કરવામાં આવ્યો.
આધુનિક ગુજરાતી નાટકને એક નવો જ આયામ આપનાર નાટ્યકાર તરીકે મધુ રાય ગુજરાતી નાટ્યવિશ્વમાં પંકાયા. ગુજરાતી વાર્તા અને ગુજરાતી નાટકને મધુ રાયે તદ્દન નવી દષ્ટિ અને નવો ચીલો ચીંધી આપ્યો છે. સામાન્યતઃ સામાજિક વિષયોના દાયરામાં જ ગૂંથાતા ગુજરાતી નાટકને એનાથી સહેજ અળગાં લઈ જઈને મધુ રાયે રહસ્ય નાટકોનો એક નવો ચીલો ચાતરી આપ્યો. ગુજરાતી સાહિત્યિક સર્જનોમાં એક અલાયદો ખંડ નિર્માણ કરનારા એવા પ્રતાપી ગદ્યસ્વામી અને શબ્દના હાકેમ મધુ રાયની શબ્દોની જાહોજલાલી પર આફરીન પોકારાઈ જાય. આધુનિક નવલકથા અને નાટકમાં ફેન્ટેસ્ટિક એપ્લિકેશન કલ્પનાતીત ઘટનાઓનું પ્રયોજન અને ડ્રામેટિક સિચ્યુએશન્સ, અસરદાર પાત્રસૂચિ અને પ્રયોગવાદી બહુવિધ આંતરચેતના પ્રયોજતી અને ભાષાની અપૂર્વ અનુનેયતા સિદ્ધ કરતા મધુ રાયના સાહિત્યિક અનુષ્ઠાન અત્યંત ધ્યાનાકર્ષક છે.
પોતાના જીવ જેટલો જ પોતાની ભાષાને પ્રેમ કરતા આ મહાશય માટે એમના પરમ મિત્ર બાબુ સુથાર કહેઃ જીવ પછી બીજા ક્રમે ભાષાદાઝ દેહમાં બિરાજતી હોય એવા બહુ ઓછા ગુજરાતી સર્જકો છે. મધુ રાય એમાંના એક છે. ગુજરાતી સાહિત્યમાં મધુ રાયનું એમનાં સર્જનો થકી ચિરસ્મરણીય પ્રદાન છે.
મધુ રાયલિખિત નાટક ‘કાન્તા કહે’ પણ આવું જ એક રહસ્યોનાં જાળાં બિછાવતું અને એનાં પાત્રોની જેમ જ પ્રેક્ષકને પણ એના ભેદભરમમાં અટવાવતું નાટક છે. રસપ્રદ વાત તો એ હતી કે નાટકમાં એક અત્યંત મહત્ત્વનું કિરદાર મધુ રાયે નિભાવ્યું જ્યારે એમના જ એક અંતરંગ મિત્ર દિલીપ ગણાત્રા, જેઓ ખાસ આ પ્રસંગમાં જોડાવા ન્યુ જર્સી આવ્યા હતા એમણે પણ એક ખૂબ સરસ ભૂમિકા નિભાવી. ભારતમાં મુંબઈમાં સાહિત્ય સંસદ, સાન્તાક્રુઝ વર્ષોથી અવિરત સાહિત્ય ઉપાસનાનું કામ કરી રહી છે અને એના સૂત્રધાર એવા કનુભાઈ સુચક હાલ અમેરિકાની યાત્રાએ છે. કનુભાઈ સુચકે પણ આ નાટક ‘કાન્તા કહે’માં સૂત્રધાર બની ખુદ નાટક એનાં પાત્રો અને ભાવકો વચ્ચે સેતુ બન્યા.
નાટકના નાયકનું મુખ્ય પાત્ર વિજય ઠક્કર અને નાયિકાનું પાત્ર નંદિતા ઠાકોરે નિભાવ્યું. નાટકનાં અન્ય મહત્ત્વનાં બે પાત્રો સુચિ વ્યાસ અને કૌશિક અમીને નિભાવ્યાં.
સાહિત્ય સંસદ ઓફ નોર્થ અમેરિકા દ્વારા નાટકના વાચિકમનો 50 મિનિટનો આ નવતર ઉપક્રમ અત્યંત અસરકારક અને મનોરંજક બની રહ્યો, સાથોસાથ ઉપસ્થિત ભાવકોને પણ અનન્ય અનુભૂતિ થઈ.
સાહિત્ય સંસદ ઓફ નોર્થ અમેરિકાના ઉપપ્રમુખ ડોક્ટર નીલેશ રાણા કે જેઓ આ બેઠકના હોસ્ટ હતા એમણે અને એમનાં પત્ની શ્રીમતી ઉષાબહેને ઉપસ્થિત અતિથિઓનું ઉષ્માભર્યું આતિથ્ય કર્યું.
સભાના અંતે ડોક્ટર નીલેશ રાણાએ સૌનો આભાર પ્રદર્શિત કર્યો હતો.