સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર-૨૦૨૦ ગુજરાતી માટે કાશ્યમી મહાની પસંદગી

 

અમદાવાદઃ સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર-૨૦૨૦ ગુજરાતી ભાષા માટે કાશ્યપી મહાને પ્રાપ્ત થયો છે. હિન્દીમાં ૨૦૧૫માં સ્વ. મૃદુલા સિન્હા દ્વારા લખાયેલી લંકાપતિ રાવણની પત્ની સતી મંદોદરીની આત્મકથાનક નવલકથા પરિતપ્ત લંકેશ્વરીના ૨૦૧૬માં પ્રકાશિત થયેલા ગુજરાતી અનુવાદ માટે એમને જાહેર થયો છે. પુરસ્કાર તરીકે ૫૦,૦૦૦ની રકમ સાથે એક તામ્રપત્ર હવે પછી એક જાહેર સમારંભમાં એનાયત થશે. ગુજરાતી અનુવાદ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત થયો હતો. પરિતપ્ત લંકેશ્વરી પુસ્તક સૌરાષ્ટ્ર યુનિ.ના એમ.એ.ના અભ્યાસક્રમમાં પણ સામેલ થયેલું છે. કાશ્યપી મહાને આ પહેલાં, અનુવાદ સહિતના લેખિકાના તમામ પ્રકારના પુસ્તકોની શ્રેણીમાં વર્ષ ૨૦૧૬-૧૭માં ગુજરાતી સાહિત્ય પરિષદનો અનુવાદ પુરસ્કાર પણ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. અંગ્રેજીમાં પોલ બ્રન્ટન દ્વારા લખાયેલા પુસ્તકનો કાશ્યપી મહા દ્વારા ગુજરાતીમાં થયેલા અનુવાદ હિમાલય અને એક તપસ્વીને આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. મરાઠી, હિન્દી અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અત્યાર સુધીમાં ૬૫ ઉપરાંત પુસ્તકોના અનુવાદ આપનારા કાશ્યપી મહા પત્રકારત્વમાં એમ.એ. અને એમ.ફિલ.ની પદવી ધરાવે છે.