સાવ સાદો સવાલ

0
1299

અદાલતે જેવો ચુકાદો જાહેર કર્યો કે તરત જ, અત્યાર સુધી અત્યંત ઉત્કંઠિત થઈને બેઠેલી શર્વરીએ, અદાલતી શિસ્તના તમામ નિયમો ઉલ્લંઘીને પોતાની બેઠક ઉપરથી કૂદકો જ માર્યો. આનંદ તો ભાર્ગવને પણ થયો હતો, પણ અદાલતની શિસ્ત એ સમજતો હતો. અદાલતી ચુકાદાઓ હંમેશાં એક પક્ષને પ્રસન્ન કરે છે તો એ સાથે જ બીજા પક્ષને અપ્રસન્ન પણ કરે છે. એમાંય ભાર્ગવ તો વકીલ હતો. વકીલ તરીકે કેટલાય ચુકાદાઓમાં એ પરાસ્ત પણ થયો હતો. આમ, બીજે ક્યાંય નહિ તો પણ અદાલતી ચુકાદાઓ પૂરતી તો એણે અનાસક્તિ કેળવી જ લીધી હતી.

પણ આજના ચુકાદાની વાત અનોખી જ હતી. આજનો ચુકાદો તો ભાર્ગવ પણ સાવ અનાસક્તભાવે સ્વીકારી શકે એમ નહોતો. આમ છતાં એણે પોતાની પ્રસન્નતાને નિયંત્રિત રાખીને અદાલતી શિસ્તનું બળપૂર્વક પાલન કર્યું હતું, પણ શર્વરી માટે તો આવું કોઈ બંધન હતું જ નહિ. એ પોતાની બેઠક ઉપરથી ઊછળી પડી. એણે તાળીઓ પાડી. ભાર્ગવે આંખના ઇશારે અને હાથ હલાવીને શર્વરીને રોકી.

અદાલતમાં ઉપસ્થિત રહેલા સૌ કોઈ આમ તો આ ખટલા સાથે સીધી રીતે સંકળાયેલા નહોતા. આમ છતાં કહેવું હોય તો કહી શકાય કે આ ચુકાદાથી ભાગ્યે જ કોઈ નાખુશ થયું હતું. પ્રતિવાદીના વકીલ સુધ્ધાં નહિ.

ઉમેશે એવું જ કર્યું હતું.
ઉમેશ અને અનસૂયા આ બે જ તો પરિવારમાં હતાં. પિતા મૃત્યુ પામ્યા ત્યારે ઉમેશ માંડ કિશોર-અવસ્થામાં હતો. પૈસેટકે ખાસ કંઈ કમી નહોતી. રૂડોરૂપાળો એક માળનો બેઠા ઘાટનો બંગલો હતો. બેન્ક-બેલેન્સ અને મૂડીરોકાણ પણ પૂરતા પ્રમાણમાં હતાં. શર્વરી પરણાવવા જેવડી થઈ ચૂકી હતી, એટલે એની જવાબદારી હજી પૂરી નહોતી થઈ, પણ અનસૂયાએ મન મક્કમ કરીને બધો જ વ્યવહાર જાળવી લીધો. શર્વરીને સારું ઘર અને સારો વર જોઈને ધામધૂમથી સાસરવાસી કરી દીધી. સાસરું ગામમાં જ હતું, એટલે પુત્રી માટે પણ ભાઈ અને માતાની સારસંભાળ લેવાનું સુગમ હતું, તો માતા માટે પણ પુત્રી નજર સામે જ હોવાથી મોટો સધિયારો હતો.

ઉમેશ મોટો થયો. અનસૂયાએ લાડકોડથી ઉછેર્યો. પિતાની ખોટ એને સાલે નહિ એવી સભાનતાથી એ પુત્રની માતા અને પિતા બન્ને બની રહી. ઉમેશની શૈક્ષણિક કારકિર્દી પણ અત્યંત તેજસ્વી નીવડી. એની બુદ્ધિમત્તાના ચમકારા કોલેજકાળથી જ એવા તેજસ્વી લાગતા હતા કે કોલેજના પ્રાધ્યાપકો અને પ્રિન્સિપાલ સુધ્ધાં કહેતા, આવા જીનિયસ યુવાન માટે આ ગામ બહુ નાનું પડે. એની પ્રતિભાને તો કોઈક યુરોપ કે અમેરિકા જ સાચવી શકે.

વાતવાતમાં, વિવેકમાં કે પછી ગમે તે રીતે વારંવાર બોલાતા આ વાક્યને ઉમેશે આત્મસાત્ કરી લીધું હતું. એણે પ્રામાણિકતાથી માની લીધું હતું કે આ ગામ અને પછી તો આ ઘર સુધ્ધાં પોતાના માટે અપૂરતાં છે, પૂરતાની પૂર્તિ કર્યા વિના.
પણ અનસૂયા ઉમેશની એકેય વાત માનવા તૈયાર નહોતી. ઉમેશની લાખ જીદને હસતાં-હસતાં પોષવા સદા તૈયાર રહેતી અનસૂયાએ ઉમેશની આ એક વાત સામે ધરાર ઇનકાર કરી દીધો, લાખ વાતેય હું તને આ ગામ છોડીને બીજે નહિ જવા દઉં. અને જો તારે જવું જ હોય તો હું તારી સાથે જ આવીશ !

માતાની વાતનો આ પૂર્વાર્ધ તો ઉમેશને નહોતો જ ગમ્યો, પણ ઉત્તરાર્ધ તો અત્યંત આકરો લાગતો હતો. પોતાની સાથે આવવાનું જનેતાનું આ વેણ ઉમેશથી મુદ્દલ સહન થયું નહોતું. એવું શી રીતે થઈ શકે? દેશવિદેશનાં, યુવાનોની કારકિર્દી ઘડતાં જે સામયિકો કોલેજમાં એ જોતો હતો એમાં ક્યાંય એણે વાંચ્યું નહોતું કે જેમાં કોઈ યુવાન માતાની આંગળીએ વિદેશમાં વસ્યો હોય.

એમાંય અનસૂયાએ ઉમેશનાં લગ્ન માટે આમતેમ નજર નાખવા માંડી ત્યારે તો ઉમેશ ભારે ચોંકી ઊઠ્યો. અનસૂયા જે રીતે પોતાની  કેરિયરને સમજી ન શકે, એ જ રીતે પોતાનાં લગ્ન વિશે પણ એનો ખ્યાલ તો જુનવાણી અને પરંપરાગત જ હોય ને! જોકે ઉમેશને હજી કોઈ આર્થિક સંકડામણનો અનુભવ અનસૂયાએ થવા દીધો નહોતો. મૂડીરોકાણનો બધો જ વહીવટ અનસૂયા કોઠાસૂઝથી કરતી અને એમાંય શર્વરી સાસરે ગયા પછી એના પતિ કે સસરાની સહાય પણ એમને ભારે ઉપયોગી થતી હતી.

શર્વરી પણ માતાને પૂરતી મદદ કરતી હતી. બંગલો તો પતિએ પોતાની હયાતીમાં જ પુત્ર ઉમેશના નામ ચડાવી દીધો હતો. એકનો એક દીકરો હતો અને આમેય પોતાની હયાતી પછી એ જ તો વારસદાર હતો. વારસદારના સગીરકાળમાં કાનૂની વાલી તરીકે અનસૂયાનું નામ દસ્તાવેજોમાં રાખ્યું હતું ખરું, પણ હવે તો ઉમેશ કાનૂની રાહે પુખ્ત વયનો થઈ ચૂક્યો હતો. હવે એને વાલીની કોઈ જરૂર નહોતી. હવે તો એને જરૂર હતી
ઘણા લાંબા સમય સુધી આ ગડમથલ ચાલતી રહી. અનસૂયાને એમ હતું કે વરસ છ-મહિને પુત્રના મનના ઉધામા શમી જશે, પણ એવું કંઈ ન બન્યું. લગ્નની વાત જેવી અનસૂયાના હોઠ ઉપર આવે કે તરત જ ઉમેશ વડચકું ભરી લેતો. માતા પહેલાં સમજાવતી, પુત્ર આ સમજાવટનો પ્રતિભાવ ઉગ્રતાથી આપતો. આ ઉગ્રતા માતા માટે અજાણી હતી, એટલે ક્યારેક વળતી ઉગ્રતા દાખવી દેતી. કહી પણ દેતી, તારા બાપની ગેરહાજરીમાં હું તારો બાપ બનીને રહી છું. તારા હિતને હું બરાબર સમજું છું. હવે મારા મનની લાગણીઓને જો તું નહિ સમજે તો મારે કહેવું પણ કોને?

ધીમે ધીમે વાત વણસતી ગઈ વણસવી ન જોઈએ અને છતાં વણસી ગઈ. અનસૂયા પછી તો શાંત થઈ ગઈ હતી અને ઉમેશ પણ ભાગ્યે જ કશી વાતચીત કરતો. ઘરમાં હોય એટલા કલાકો પણ એ પહેલા માળે પોતાના ખંડમાં જ રોકાયેલો રહેતો. પહેલા માળનો એ ખંડ અત્યાર સુધી બંધ હતો. ઉમેશના વપરાશનો ખંડ નીચે જ બેઠકખંડની પાસે આવેલો હતો, પણ હવે ઉમેશે પોતાનો ખંડ બદલી નાખ્યો હતો. ઘરમાં અનસૂયા ભોંયતળિયે એકલી જ સમય પસાર કરતી હોય અને ઉમેશ પહેલા માળે કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત હોય.
એક દિવસ આ વાતનો અણધાર્યો અંત આવી ગયો. અનસૂયાએ વહેલી સવારે પોતાના ખંડની બહાર આવીને જોયું ત્યારે સ્તબ્ધ થઈ ગઈ. પહેલા માળે જતા દાદરનાં પગથિયાં પાસે જાળી બંધ હતી અને એને બહારથી તાળું દેવામાં આવ્યું હતું. રાત્રે ઉમેશ એના ઉપરના ખંડમાં સૂવા ગયો ત્યાં સુધી અનસૂયા જાગતી હતી. આ રીતે વહેલી સવારે જાગીને તાળું મારીને તો એ ક્યારેય ગયો નહોતો. એમાંય એણે જ્યારે જોયું કે ભોંયતળિયાના વધારાના ખંડોમાં દરવાજા પર પણ તાળાં લટકતાં હતાં, ત્યારે એને ધ્રાસકો પડ્યો.
બેબાકળી થઈને એણે ચારેય તરફ જોયું. વચ્ચેના બેઠકના ઓરડામાં બાંધેલા હીંચકા ઉપર એક ચિઠ્ઠી પડી હતી. ધ્રૂજતાં ધ્રૂજતાં એણે આ ચિઠ્ઠી ઉપાડી અને આંખમાં ધસી આવેલાં આંસુને લૂછી કાઢીને એ અક્ષરો ઉકેલ્યા. એ ચિઠ્ઠી ઉમેશની હતી. ઉમેશ લખતો હતોઃ તમારા વસવાટ માટે જરૂરી બે ઓરડા અને રસોડાને ખુલ્લાં રાખીને, મારા બંગલાના બાકીના ઓરડાઓ બંધ કરીને હું અમેરિકા જઈ રહ્યો છું.
અનસૂયાના પગ નીચેથી જાણે ધરતી સરકી ગઈ. ઉમેશ આવું કોઈ અંતિમ પગલું ભરી પણ શકે એ કલ્પનાતીત હતું. એ ભોંય ઉપર ફસડાઈ પડી.

પછી તો શર્વરી આવી. શર્વરીનાં સાસરિયાં પણ આવ્યાં. સૌ સ્તબ્ધ તો થઈ ગયાં, પણ એમના રોષનોય કોઈ પાર રહ્યો નહિ. ઉમેશ જેને મારો બંગલો કહેતો હતો એ એનો શી રીતે કહેવાય, એવો પ્રશ્ન સૌની જીભે હતો. અનસૂયાની જીભ તો જાણે તાળવે ચોંટી હતી. એ કશું જ જાણે બોલી શકતી જ નહોતી. માતાને સધિયારો આપવા શર્વરી થોડાક દિવસ પિયરમાં રહી. સ્થાનફેર કરવાથી માતાને સારું લાગશે એમ માનીને થોડા દિવસ માટે એણે માતાને યાત્રાધામોમાં પણ ફેરવી, પણ અનસૂયાનો જીવ જાણે ક્યાંય ચોંટતો નહોતો.
આમ ને આમ છએક મહિના વીત્યા પછી અમેરિકાથી આવતા-જતા કોઈએ ઉમેશના સમાચાર આપ્યા, સરનામુંય આપ્યું. ઉમેશ હવે અમેરિકાના કોઈ રાજ્યના મુખ્ય નગરમાં અત્યંત મસમોટી કંપનીમાં ઊંચા પગારથી જોડાયો છે, એની કામગીરી અને એનું વળતર બેય દિવસે દિવસે વધ્યે જાય છે. એ રાત-દિવસ પોતાની કારકિર્દી ઘડવા માટે સખત પરિશ્રમ કરે છે અને ટૂંક સમયમાં જ એની કંપનીની જ એક એક્ઝિક્યુટિવ વિદેશી મહિલા સાથે લગ્ન પણ કરવાનો છે.

શર્વરીના પતિના મોટા ભાઈ એટલે કે શર્વરીના જેઠ ભાર્ગવે જ્યારે આ વાત જાણી ત્યારે એ ઊંડા વિચારમાં પડી ગયો હતો. ભાર્ગવનું સ્થાન અદાલતી કાર્યવાહીઓમાં ટોચનું ગણાતું હતું. વ્યવસાયે વકીલ હતો અને વરસોના અનુભવે એને વહેવારિક પણ બનાવી દીધો હતો. અનસૂયાની અવદશા કરતાંય ઉમેશે એની જે અવહેલના કરી હતી એ એના વકીલ માનસને રુચતું નહોતું. ઉમેશને કાનૂની કાર્યવાહી કરીને અહીં ધક્કા ખાતો કરી દેવો જોઈએ એવું એને લાગતું હતું. સંજોગો બધા સ્પષ્ટ હતા. પિતાનો બંગલો ભલે એના નામ ઉપર ચડ્યો હોય તો પણ એની ઉપર માતાનો અધિકાર હતો. આ રીતે માત્ર બે ઓરડા છોડીને આખો બંગલો બંધ કરી દેવાનું એનું પગલું અદાલતમાં પડકારવું જોઈએ, એની ઉપર આરોપનામું ઘડાવું જોઈએ, માતાના ભરણપોષણ માટે એની આવકના પ્રમાણમાં હિસ્સો મળવો જોઈએ, આવા અનેક મુદ્દાઓ એણે વિચારી કાઢ્યા. આ કેસ પોતે જ લડશે એ વાત તો નિઃશંક હતી, પણ અનસૂયા પુત્ર ઉપર દાવો માંડવા તૈયાર થશે કે કેમ એ શંકાસ્પદ હતું.
એણે શર્વરીને સમજાવી, એને વિશ્વાસમાં લીધી. શર્વરી તો ભાઈના આ કૃત્યથી પહેલેથી જ ભારે નારાજ થઈ ચૂકી હતી. માતાને આ રીતે તિરસ્કૃત કરીને પીઠ ફેરવી લેનાર ઉમેશ માટે એના ચિત્તમાં ભારોભાર ક્રોધ હતો. ઉમેશને કોઈક રીતે અહીં ધક્કા ખાતો કરી દેવાય એ માટે એણે તરત જ સંમતિ દર્શાવી.
અને શર્વરીની આ સંમતિ ભાર્ગવ માટે અર્ધું કામ સરળતાથી પત્યા જેવી હતી. અનસૂયાએ પુત્ર સામે કેસ માંડવાની આ વાત જ્યારે જાણી ત્યારે ક્યાંય સુધી એ ઊંડા વિચારમાં પડી ગઈ હતી. શર્વરીને હતું કે આવું પગલું ભરવા માટે માતાને સમજાવવી ભારે દુષ્કર થઈ જશે. માતા કદાચ સંમતિ નહિ જ આપે, પણ એના આશ્ચર્ય વચ્ચે, અનસૂયાએ ક્યાંય સુધી વિચાર કર્યા પછી, માત્ર આટલું જ કહ્યું, તમને જે ઠીક લાગે તે કરો. તમે જ્યાં કહેશો ત્યાં હું માત્ર સહી કરી આપીશ.
ભાર્ગવ અને શર્વરીને તો આ જ જોઈતું હતું. એમણે જરૂરી કાર્યવાહી ઝડપભેર આદરી. અનસૂયાની સહીઓ મેળવવામાં આવી. ટૂંક સમયમાં જ અમેરિકાવાસી પુત્ર ઉમેશ સામે માતા અનસૂયાએ કાનૂની દાવો દાખલ કરી દીધો. બંગલાને ખોટી રીતે પોતાના કબજામાં રાખવાનો, પોતાને માનસિક ત્રાસ આપ્યાનો અને બદલામાં ભરણપોષણ માટે માસિક ઉચિત રકમ મેળવવાના પોતાના અધિકારનો એણે ઉપયોગ કર્યો.
પણ ધાર્યું હતું એમ ઉમેશ અદાલતમાં ઉપસ્થિત ન થયો. એણે પણ વળતી કાનૂની કાર્યવાહી કરીને અહીંના જ એક સ્થાનિક વકીલને પોતાના પાવર ઓફ એટર્ની મોકલ્યા અને અદાલત પાસેથી પ્રત્યેક મુદતે વ્યક્તિગત રીતે હાજર રહેવાના આદેશમાંથી મુક્તિ માગી. અદાલતે એને આ મુક્તિ આપી પણ ખરી.

કેસ કંઈ બહુ લાંબો ન ચાલ્યો. ઉમેશના વકીલને પોતાનો આ અસીલ બંગલાનો માલિક છે એવું ઠરાવવામાં ઝાઝી તકલીફ નહોતી પડી. એટલું જ નહિ, અનસૂયા જ્યાં સુધી જીવંત હોય ત્યાં સુધી એને વપરાશ પૂરતી જગ્યા વાપરવાના અધિકારનોય એણે પ્રતિવાદ ન કર્યો. અનસૂયા પાસે એના ભરણપોષણની આર્થિક વ્યવસ્થા છે એટલું કહ્યા પછી પણ ઉમેશના વકીલે અદાલત જે કંઈ ઠરાવે એ વળતર આપવાની તૈયારી દર્શાવી. હવે ઉમેશને આ અદાલતમાં હાજર થવાની ફરજ પાડવામાં અદાલતને વિશેષ કોઈ રસ રહ્યો નહોતો.
અને યથાસમયે ચુકાદો જાહેર થયો. બંગલામાં કાયમી વસવાટનો અનસૂયાના અધિકારનો અદાલતે સ્વીકાર કર્યો. એ માટે ઉમેશને જરૂરી આદેશ આપ્યો અને વૃદ્ધ વિધવા માતાના ભરણપોષણની જવાબદારી પુત્ર તરીકે ઉમેશની હોવાથી પ્રતિમાસ એણે અમેરિકાથી રૂપિયા દસ હજાર અદાલતમાં જમા કરાવવા અને અદાલત પાસેથી એ રકમ અનસૂયાને મળતી રહે એવું કરવાનું ઠરાવ્યું.
ભાર્ગવને થયુંઃ એ કેસ જીતી ગયો હતો. શર્વરીને થયુંઃ આનાથી ઉમેશના ગાલ ઉપર ઠીક ઠીક તમાચો પડ્યો છે. બન્ને જણ હળવા હૈયે અને ખુશખુશાલ ચહેરે અનસૂયા પાસે આવ્યાં અને અદાલતમાં મળેલા વિજયની વાત ભારે ઉત્સાહપૂર્વક કરી. અનસૂયા સાંભળી રહી. એના ચહેરા ઉપર કશોય પ્રતિભાવ પ્રગટ્યો નહિ. જાણે કોઈ ત્રાહિત વ્યક્તિની વાત થતી હોય એમ એ જોઈ રહી. ભાર્ગવ અને શર્વરીએ જ્યારે વારંવાર એને આ વિજયના આનંદમાં ભાગ લેવા નોતર્યા કરી ત્યારે નાછૂટકે એ એટલું જ બોલીઃ
પણ મેં ક્યાં આ કેસ મારા આવા કોઈ અધિકારના રક્ષણ માટે કર્યો હતો? મારો કેસ તો આટલું બોલતાં એની આંખમાં ઝળઝળિયાં આવ્યાં, કંઠે ડૂમો ભરાયો.
તો પછી તમારો કેસ શા માટે હતો, બહેન? એડવોકેટ ભાર્ગવે પૂછ્યું.
મારો સવાલ તો સીધો ને સટ હતો, ભાઈ! આંસુના ઘૂંટડાને ગળા હેઠળ ઉતારીને અનસૂયા થોડી વારે બોલી, હું તો કેસના આ બહાને ઉમેશ અહીં આવશે, એનું મોઢું મને જોવા મળશે એવી આશામાં હતી, પણ ઉમેશ તો આવ્યો નહિ. મારી આશા ભાંગી પડી. જો એક વાર એનું મોઢું જોવા મળ્યું હોત તો… આટલું કહેતાં ફરી વાર અનસૂયા રડી પડી.
શર્વરીએ માતાની પીઠ પર હાથ મૂક્યો. એની આંખ પણ ભીની થઈ ગઈ. ભાર્ગવે પાણીનો ગ્લાસ ધર્યો.
તો તારે શું કરવું હતું, બા? અનસૂયાની છેલ્લી વાતનું અનુસંધાન આગળ ચલાવીને શર્વરીએ ધીમેથી પૂછ્યું.
તો મારે એને પૂછવું હતું, દીકરી! કે
કે? ભાર્ગવે પહેલી જ વાર ઉત્સુકતાથી પૂછ્યું.
કે બેટા! બાપ વિનાનો તું મારો એકનો એક દીકરો તને ઉછેરવામાં મેં એવી તે શી ભૂલ કરી કે તું મને આમ તરછોડીને જતો રહ્યો? મારો એવો તે શું ગુનો હતો? બસ, મારે તો માત્ર આ સવાલનો જવાબ જ મેળવવો હતો. આટલું કહેતાં જ અનસૂયા ઢગલો થઈ ગઈ.

લેખક સાહિત્યકાર છે.